આણંદમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરાશે
Publish Date : 14/08/2026
તા. ૧૪મી ઓગસ્ટે સાંજે ૦૬:૦૦ કલાકે, આણંદના ઈપ્કોવાલા ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે
આણંદ, ગુરૂવાર , દેશના વિભાજન સમયે પોતાનો જાન ગુમાવનારા અને વિસ્થાપનની અસહ્ય પીડા સહન કરનારા લાખો નાગરિકોની સ્મૃતિમાં તથા તેમને ભાવાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૪ ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની વિશિષ્ટ ઉજવણી તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તારીખ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે, સરદાર પટેલ માર્ગ પર આવેલા ઈપ્કોવાલા ઓડિટોરિયમ હોલ, આણંદ ખાતે યોજાશે. આ પ્રસંગે ભારત દેશના વિભાજનની ભયાનકતા, વિસ્થાપનની વેદના, નાગરિકોની અડગ આશાઓની ગાથા તથા માનવતાની જીતને યાદ કરી નિર્દોષ મૃતકો અને બલિદાનીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
અવિસ્મરણીય બલિદાનોને નમન કરવા તેમજ દેશના ઇતિહાસના આ અગત્યના દિવસના સ્મરણાર્થે યોજાનાર આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાગરિકો, પ્રબુદ્ધજનો અને મહાનુભાવોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.