Close

આણંદમાં યુવાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

Publish Date : 03/07/2026

આણંદ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ તાલીમ શિબિરમાં જોડાવા માટે ૧૦ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે

નેતૃત્વના ગુણો અને રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવવા તજજ્ઞો દ્વારા અપાશે માર્ગદર્શન

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક-યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ અને તેમની આંતરિક શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાના ઉમદા આશય સાથે જિલ્લા કક્ષાની ‘યુવક નેતૃત્વ તાલીમ શિબિર’ અને ‘યોગાસન તાલીમ શિબિર’નું આયોજન જુલાઈ માસના અંતમાં કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓને નેતૃત્વના ગુણોની ચર્ચા, પંચાયતી રાજના માળખાની સમજ, સામાજિક દૂષણો સામે વિરોધ અને રાષ્ટ્રીય એકતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

આ સાથે જ યુવાનોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે યોગ નિષ્ણાંતો દ્વારા યોગવિદ્યાનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના આસનોનું પ્રત્યક્ષ જ્ઞાન પીરસવામાં આવશે, જે યુવાઓના સર્વાંગી વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે.

આ શિબિરમાં ભાગ લેવા માટે આણંદ જિલ્લાના ઉત્સાહી યુવક-યુવતીઓએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. શિબિરમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ‘જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂના જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૩૦૯, ત્રીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો સાથે ભરેલા આ ફોર્મ આગામી તા. ૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં તે જ કચેરીએ પરત જમા કરાવવાના રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.