આણંદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને SOGની મોટી કાર્યવાહી
Publish Date : 24/08/2026
ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક ગોળીઓના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
નેશનલ હાઈવે પરથી મોટરસાયકલ પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડતી પોલીસ અને ઔષધ નિયમન તંત્ર
અમદાવાદથી વડોદરા તરફ સપ્લાય થતી ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ ગોળીઓ અને ગર્ભપાત કીટનો જથ્થો જપ્ત : એસ.ઓ.જી. દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તારીખ ૧૮-૦૮-૨૦૨૬ના રોજ મોડી રાત્રે આણંદ નેશનલ હાઈવે પર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલા મોટરસાયકલ નંબર GJ-01-XD-8087ને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. પોલીસ અને ઔષધ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન દર્શનભાઈ ગોકલાણી અને દિલીપભાઈ એમ. ઠાકોર નામના બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન કુલ ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ જેવી નશાકારક ટેબ્લેટ્સ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી છે, જે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી ૪૦ નંગ ‘ક્લીન-કીટ’ (ગર્ભપાતની સિડ્યુલ ‘એચ’ કીટ્સ) અને ૨૦ નંગ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ્સ પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી આણંદના ઔષધ નિરીક્ષક શ્રી પી. એમ. મકવાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમણે સ્થળ પર પહોંચીને દવાઓની સઘન ચકાસણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આ પકડાયેલા આરોપીઓ પૈકી દિલીપ ઠાકોર પાસે આ દવાઓનો સંગ્રહ કે વેચાણ કરવા માટેનું કોઈ પણ કાયદેસરનું લાઇસન્સ કે માન્ય ખરીદ બિલ મળી આવ્યું નથી. આ ગેરકાયદેસર જથ્થો અમદાવાદના વિશાલ ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. વડોદરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના સુપરવિઝન હેઠળ આ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલમાં જપ્ત કરાયેલી ગર્ભપાતની કીટ્સના નમૂનાઓ લઈને તેના પૃથ્થકરણ માટે વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ કીટ્સમાં રહેલા મીફેપ્રીસ્ટોન અને મીઝોપ્રોસ્ટોલ જેવા સંવેદનશીલ ઘટકોની ચકાસણી કરવામાં આવશે. આણંદ એસ.ઓ.જી. શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સઘન તપાસ કરવામાં આવી રહી છે.