આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન
Publish Date : 25/02/2026
“સરકારની યોજના ના કારણે અમોને એક પણ રૂપિયો ખર્ચ થયા વગર સરકારે મારી દિકરી યશવીને નવ જીવન આપ્યુ છે”:- યશવીના પિતા અજયસિંહ ટાંટોડ
સરકારની સંવેદના અને વિનામૂલ્યે મળેલ સારવારથી મોતને મ્હાત આપી ફરિથી હસતી થઈ યશવી
આણંદ, મંગળવાર: “સરકારની યોજનાને કારણે આજે મારી દીકરી ફરીથી હસતી થઈ છે” – એક દીકરીના સપનાઓ અને એક પિતાના આત્મવિશ્વાસની જીતની લાગણી દર્શાવતા આ શબ્દો છે આણંદની યશવીના પિતા અજયસિંહ ટાંટોડના.
કહેવાય છે કે કોઈપણ માતા-પિતા કે પરિવાર માટે તેમના બાળકની નિર્દોષ સ્મિત એ દુનિયાની સૌથી મોટી મૂડી હોય છે. પરંતુ જ્યારે કોઈ ગંભીર બીમારી આ સ્મિતને છીનવી લે અને સામે પક્ષે લાખોનો ખર્ચ આવીને ઊભો રહે, ત્યારે પિતાની લાચારી જીવનમાં આભ ફાટવા સમી હોય છે.
વાત છે આણંદ જિલ્લાના આંકલાવડી ગામના અજયસિંહ સરદારસિંહ ટાંટોડની. તેમના જીવનમાં પણ આવી જ એક કસોટી આવી, જ્યાં તેમની ૮ વર્ષની વહાલી દીકરી યશવી ગંભીર બીમારીનો ભોગ બની હતી. પરંતુ આ અંધકારમાં ગુજરાત સરકારનો ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) આશાનું એવું કિરણ લઈને આવ્યો, જેણે યશવીને નવજીવન આપ્યું છે.
૨૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ જન્મેલી યશવી અને તેના પરિવારના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી પડી હતી. યશવીને સતત થાક, નબળાઈ, ચક્કર આવવા અને શરીર પર લાલ ચકામા દેખાવા લાગ્યા. પરિવાર દ્વારા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તપાસ કરાવતા હૃદયદ્રાવક વિગતો સામે આવી; જેમા યશવીનું હિમોગ્લોબિન ઘટીને માત્ર ૫.૫ gm અને પ્લેટલેટ્સ ૩૦,૦૦૦ થઈ ગયા હતા. પ્રાથમિક સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન થતા પરિવાર ઘેરી ચિંતામાં ડૂબી ગયો હતો.
આ કપરા સમયે ગુજરાત સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ દેવદૂત બનીને આવી હતી. આ ટીમના ડૉ. રવિન્દ્ર શાહ અને ડૉ. નિકિતા ચૌહાણે માત્ર સરકારી ફરજ સમજીને નહીં, પણ માનવીય અભિગમ સાથે યશવીની હોમ વિઝિટ શરૂ કરી અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ (GCRI – કેન્સર હોસિપ્ટલ) ખાતે રિફર કરવામાં આવી હતી. ત્યાં ઊંડાણપૂર્વકની તપાસ, વારંવાર પ્લેટલેટ્સ ટ્રાંસફ્યુઝન કરવામા આવ્યુ અને બોન મેરો બાયોપ્સી કર્યા બાદ નિદાન થયું કે યશવી ‘એપ્લાસ્ટિક એનિમિયા’ (Aplastic Anemia) જેવી ગંભીર અને રેર બીમારીથી પીડાઈ રહી છે.
યશવીના પરિવાર માટે સૌથી મોટો પડકાર ‘બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ’ ઓપરેશનનો હતો, જેનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આશરે રૂપિયા ૨૦ લાખ થાય છે. એક સામાન્ય નોકરી કરતા અને વાર્ષિક રૂપિયા ૧ લાખથી પણ ઓછી આવક ધરાવતા પિતા માટે આ સારવાર ખર્ચ ઉઠાવવો એ લગભગ અશક્ય છે. પરંતુ અહીં જ ગુજરાત સરકારની સંવેદનાનો પરિચય યશવી અને તેના પરિવારને થયો અને યશવીની નાની બહેન ભવ્યાનું ‘HLA’ મેચ થતા, RBSK યોજના અંતર્ગત અંદાજિત ૨૦ લાખ રૂપિયાની મોંઘીદાટ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવી હતી.
૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સફળ ઓપરેશન થયા બાદ યશવીને ૧૭ ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તા.૧૮-૨-૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ દ્ધારા યશવીની હોમ વિઝીટ કરવામાં આવી હતી. આજે હાલ યશવીની તબિયત ઘણી સારી છે અને તે ફરીથી હસતી-રમતી થઈ ગઈ છે. તેના પિતા અજયસિંહ ગળગળા સાદે કહે છે કે, જો RBSKની ટીમ અને સરકારની આ યોજના ન હોત, તો મારી દીકરીની સારવાર કરાવવી મારા માટે અશક્ય હતી. અમોને એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સરકારે મારી દિકરી યશવીને નવ જીવન આપ્યુ છે. તેઓ રાજ્ય સરકારનો, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ, આંકલાવડી સબસેન્ટરનો અને GCRI કેન્સર હોસ્પિટલનો ગળગળા સ્વરે આભાર વ્યક્ત કરે છે.
યશવીના સફળ ઓપરેશન અને તેના પિતાનો સરકાર પ્રત્યેની કૃતજ્ઞતા સાબિત કરે છે કે છેવાડાના માનવી સુધી પહોંચતી સરકારી સ્વાસ્થ્ય સેવાઓ ખરેખર આશીર્વાદરૂપ બની છે.

આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન