આણંદની ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ
Publish Date : 06/07/2026
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી- સહકારી મૂલ્યો અને વિકાસ એ જ સાચા વિકાસનો મજબૂત પાયો છે
‘ખેડૂત પ્રથમ’ અભિગમને કારણે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બની
સહકારી સંસ્થાઓને ભવિષ્ય માટે સજ્જ કરવામાં ‘ત્રિભુવન’ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની ભૂમિકા મહત્વની
આણંદ, શનિવાર, આણંદ સ્થિત ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
“સફળ સહકારી સંસ્થાઓનું નિર્માણ કેવી રીતે કરવું” વિષય પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિકાસ પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવી છેવાડાના માનવી સુધી પહોંચાડવાથી જ પાયાના સ્તરે મોટું પરિવર્તન લાવી શકાય છે.
સફળતાના મંત્ર તરીકે એશિયાની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા ‘બનાસ ડેરી’નું ઉદાહરણ આપતા શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની અભૂતપૂર્વ પ્રગતિ પાછળનો મુખ્ય મંત્ર તેનો વહીવટ અને સંચાલનમાં રહેલો ‘ખેડૂત પ્રથમ’ અભિગમ છે. ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી કામગીરી જ કોઈ પણ સહકારી સંસ્થાને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. તેમણે સહકારી મંત્રાલય દ્વારા સહકારી સંસ્થાઓને ટેકનોલોજી અને આધુનિક યુગની જરૂરિયાતો મુજબ ભવિષ્ય માટે સજ્જ કરવા પર મૂકવામાં આવી રહેલા ભાર અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
શ્રી શંકરભાઈ ચૌધરીએ મલ્ટીપર્પઝ પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS)ની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે, તેના માધ્યમથી છેવાડાના માનવી સુધી ધિરાણની સુવિધા પહોંચાડી શકાશે. તેમણે ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આવી સંસ્થાઓ ભારતના વિકાસ પ્રવાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. શિક્ષણ અને સહકારના સમન્વય દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની અને નવી પેઢીને સહકારી ક્ષેત્રમાં જોડવાની આ ઉત્તમ તક છે.
કાર્યક્રમના પ્રારંભમાં ઇરમા (IRMA)ના ડાયરેક્ટર અને ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટીના ડીન પ્રો. શાશ્વત નારાયણ બિશ્વાસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ ૨૦૨૬-૨૦૨૮ની એમબીએની નવી બેચના વિદ્યાર્થીઓનો પરિચય આપતા જણાવ્યું હતું કે, આ બેચમાં શૈક્ષણિક અને પ્રાદેશિક સ્તરે અદભૂત વૈવિધ્ય જોવા મળે છે. પ્રો. બિશ્વાસે ઇરમાના ભવ્ય વારસાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને સહકારી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નવા આયામો સર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.