આણંદના શાહુકારોએ ૧૫ દિવસમાં હિસાબી પત્રકો રજૂ કરવા પડશે, નિયમોનું ઉલ્લંઘન કરનારના પરવાના રદ થશે
Publish Date : 11/09/2026
નાણાં ધીરધાર કરતા પરવાનાધારકો માટે ઓડિટ અને ઓનલાઈન ડેટા એન્ટ્રી ફરજિયાત: જિલ્લા રજિસ્ટ્રારની સૂચના
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં શાહુકાર ધારા હેઠળ નાણાં ધીરધારનો વ્યવસાય કરતા તમામ લાયસન્સ ધારકો માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ની વિવિધ કલમો હેઠળ, તમામ શાહુકારોએ વર્ષમાં એકવાર ઓડિટ કરાવવું ફરજિયાત છે.
આ અંતર્ગત જે શાહુકારોનું ધિરાણ ૫૦ લાખ રૂપિયાથી ઓછું છે, તેમણે છેલ્લા પાંચ વર્ષના નાણાં ધીરધારને લગતા હિસાબી પત્રકો, આવક-જાવકની કુલ રકમ અને કુલ ટર્ન ઓવરની વિગતો આગામી ૧૫ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે અચૂકપણે રજૂ કરવાની રહેશે.
જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ શાહુકારના ધંધાનું ટર્ન ઓવર શૂન્ય હોય, તો પણ તેમણે ‘નીલ’ પત્રકો નિયત સમયમર્યાદામાં કચેરીમાં જમા કરાવવાના રહેશે. જે શાહુકારો નિર્ધારિત સમયમાં પોતાના હિસાબી પત્રકો રજૂ કરવામાં કસૂરવાર ઠરશે, તેમના વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ની કલમ ૧૫(૧) હેઠળ પરવાનો રદ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતની તમામ પરવાનાધારકોએ ગંભીરતાથી નોંધ લેવા અને વહીવટી પ્રક્રિયામાં સહકાર આપવા તાકીદ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન પારદર્શિતા પર ભાર મૂકતા જણાવવામાં આવ્યું છે કે તમામ શાહુકારોએ દર માસની ૧ થી ૫ તારીખ સુધીમાં નાણાં ધીરધારને લગતા પત્રકો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આ પત્રકોમાં દેણદાર સાથેની લેવડ-દેવડની અદ્યતન વિગતો, લોન આપ્યાની અને પાકવાની તારીખ, વ્યાજનો દર તથા જામીનગીરીના પ્રકાર જેવી વિગતોનો સમાવેશ કરવો અનિવાર્ય છે. શાહુકાર ધારાની જોગવાઈ મુજબ દેણદારને વાર્ષિક હિસાબનું પત્રક (ફોર્મ-૧૫) આપવું પણ ફરજિયાત છે. આ નિયમોનું પાલન ન કરવું એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે.
જે શાહુકારોએ પરવાનો મેળવ્યા બાદ ઓનલાઈન પત્રકો અપલોડ કર્યા નથી અથવા દેણદારોને હિસાબી પત્રકો પૂરા પાડ્યા નથી, તેમને આ નોટિસ દ્વારા કારણદર્શક ખુલાસો કરવા જણાવાયું છે. જેમાં આણંદ તાલુકાના 207, આકલાવ તાલુકાના 08, ઉમરેઠ તાલુકાના 64, ખંભાત તાલુકાના 66, તારાપુર તાલુકાના 08, પેટલાદ તાલુકાના 31, બોરસદ તાલુકાના 29 અને સોજીત્રા તાલુકાના 05 મળીને કુલ 418 પરવાના ધારકોને જણાવાયું છે. શાહુકાર ધારાની કલમ-૨૧ અને ૨૨ના ભંગ બદલ કલમ-૪૩ હેઠળ શા માટે કાર્યવાહી ન કરવી, તે અંગેની સ્પષ્ટતા ૧૫ દિવસમાં કચેરી સમક્ષ કરવાની રહેશે. જો સંતોષકારક ખુલાસો પ્રાપ્ત નહીં થાય અથવા નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો સંબંધિત શાહુકારનો નાણાં ધીરધારનો પરવાનો રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે તેમ શાહુકારોના નિબંધક અને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.