આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ ₹. ૨ લાખની વીમાની રકમ અપાઈ
Publish Date : 09/05/2025
પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા આણંદ જિલ્લા કલેક્ટરશ્રી.
આણંદ, શુક્રવાર: આણંદના સરદાર ગંજ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો.
આ વાતની જાણકારી મળતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સરદાર ગંજ બ્રાન્ચ ના મેનેજર શ્રી રાજીવ મીના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર ૧૫ જ દિવસમાં તેમના વારસદારને આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે રૂપિયા બે લાખનો ચેક મૃતકના વારસદાર શ્રી અલકેશભાઈ પ્રજાપતિને આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે, ખાતેદાર આકસ્મિક કોઈપણ રીતે મૃત્યુ પામે કે અકસ્માતમાં મૃત્યુના સમય પર વારસદારને રૂપિયા બે લાખની વીમાની રકમ મળવા પાત્ર થાય છે, જે રકમ કુટુંબને કામ લાગે છે. જેથી કરીને દરેકે આ પ્રકારનું વીમા કવચ રાખે આજના સમયની તાતી જરૂરીયાત
છે.
આ યોજનાની માહિતી આપતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર જણાવે છે કે,પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુની વય ધરાવતા લોકો બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા અન્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેમના વારસદારને રૂપિયા બે લાખની વીમા રકમ મળવા પાત્ર થાય છે. તેવી જ રીતે બેંકમાં ખાતું ધરાવનાર કોઈપણ ખાતાધારક માત્ર રૂપિયા ૨૦/- કપાવીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત નો વીમો લઈ શકે છે, જેમાં માત્ર અકસ્માતથી મૃત્યુ થવાથી રૂપિયા બે લાખની સહાય મળવા પાત્ર રહે છે.
આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલે આણંદ જિલ્લાના ૧૮ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે અને આ વીમા યોજનામાં જોડાય તે માટે તેમણે અપીલ કરી હતી.