આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો
Publish Date : 19/07/2025
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે તેવા હેતુ સાથે બેન્ક ઓફ બરોડા દ્વાર “નાણાકીય સાક્ષરતા સમુદાયિક પ્રશિક્ષણ” અને “નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ”નો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં બેંક ઓફ બરોડાના રિજીયોનલ મેનેજર શ્રી સુજીત કુમાર, નાબાર્ડ ના અધિકારી શ્રી રાહુલ જેજુલકર, પોલીસ વિભાગના સાઇબર ક્રાઇમ ના એ.એસ.આઇ શ્રી ચૌધરી અને લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને નાણાકીય સેવાઓ જેવી કે નવું ખાતું ખોલાવવું, ડિજિટલ લેવડદેવડ, જીવન/અકસ્માત વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ અને ફ્રોડથી બચવા જેવી બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી.
લીડ બેન્ક મેનેજર શ્રી જગદીશ પાટીલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત જે વ્યક્તિઓનું બેંકમાં ખાતું હોય અને વાર્ષિક ₹૨૦/- અને વાર્ષિક ₹૪૩૬/- ભરીને બેંકમાંથી વીમો લેવામાં આવ્યો હોય તેને આકસ્મિક મૃત્યુ કે એક્સિડેન્ટલ મૃત્યુના કિસ્સામાં રૂપિયા બે લાખ મૃત્યુ પામેલના વારસદાર ને આપવામાં આવે છે.
પોલીસ વિભાગના સાઇબર ક્રાઇમ ના એ.એસ.આઇ શ્રી ચૌધરીએ સાયબર ફ્રોડ થી બચવા અંગેની વિવિધ જાણકારી આપી ગામ લોકોને વાકેફ કર્યા હતા.
બેંકના અધિકારીઓએ બેંકો લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સ્વ-સહાય જૂથોને ત્રણ ટકાનાં દરે લોન આપે છે, જેનો ગ્રામ પંચાયત સ્તરે લોકોએ લાભ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમાં જુદી-જુદી બેંકોનાં કર્મચારીઓ, બેંકમિત્રો અને વિવિધ ગામોના સરપંચશ્રીઓ, ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.