અખબારી યાદી
Publish Date : 24/06/2026
આણંદ ખાતે PFRDA અને બેંક ઓફ બરોડા દ્વારા ‘NPS સંચય’ આઉટરીચ કાર્યક્રમ યોજાયો
ખેડૂત સંગઠનો અને મહિલા બચત જૂથોને પેન્શન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા
બેન્કિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોને નિવૃત્તિ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
આણંદ ખાતે પેન્શન નિધિ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA), સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાત અને અગ્રણી જિલ્લા બેંક – બેંક ઓફ બરોડા દ્વારા સંયુક્ત રીતે ‘NPS સંચય’ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પેન્શન યોજનાઓના લાભો અને તેના મહત્વ અંગે જનજાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા PFRDA ના ડેપ્યુટી જનરલ મેનેજર મનોજ કુમાર તિવારીએ NPS સંચય યોજનાની ઝીણવટભરી વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિવૃત્તિ બાદના સમયગાળામાં આર્થિક સ્વાતંત્ર્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે NPS એક સચોટ માધ્યમ છે, જે સામાન્ય નાગરિકો માટે સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે.
આ આઉટરીચ કાર્યક્રમમાં વિશેષ કરીને ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઈઝેશન (FPO), અમૂલ ડેરીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ મહિલા બચત જૂથોના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા આ વર્ગો સુધી પેન્શનની સુવિધા પહોંચાડવાના હેતુથી આ સેમિનારનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સહભાગીઓને સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે નાની બચત દ્વારા ભવિષ્યમાં નિયમિત પેન્શન મેળવી શકાય છે.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં NPS ના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો અને જિલ્લાના તમામ નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની ગરિમા વધારવા માટે બેન્કિંગ ક્ષેત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં SLBC ગુજરાતના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી વીણા શાહ, બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર સુજીત કુમાર, ગુજરાત ગ્રામીણ બેંકના રિજનલ મેનેજર નેત્રમણિ, યુનિયન બેંક આણંદના રિજનલ મેનેજર બ્રિજેશ તિવારી તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિજનલ મેનેજર વિક્રમ ઘારિયા, અગ્રણી જિલ્લા પ્રબંધક જગદીશ પાટીલ હાજર રહ્યા હતા.

અખબારી યાદી