અખબારી યાદી
Publish Date : 30/09/2026
આણંદમાં ‘સ્વસ્થ ભારત: એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામેની લડત’ વિષય પર રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે
વિશ્વ ફાર્માસિસ્ટ વીક ૨૦૨૬: ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ‘સાઇલન્ટ પેન્ડેમિક’ ગણાતા AMR સામે જનજાગૃતિ અભિયાન
૩૦ સપ્ટેમ્બરે સરદાર પટેલ ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ આયોજન
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (PCI) ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આણંદ ખાતે એક વિશેષ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ‘એમ્પાવરિંગ ફાર્માસિસ્ટ ફોર હેલ્ધીયર ફ્યુચર્સ’ થીમ પર આધારિત રાષ્ટ્રવ્યાપી વ્યુહાત્મક પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં ‘સ્વસ્થ ભારત: એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામેની લડત’ વિષય પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ આણંદના સરદાર પટેલ ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે સવારે ૯.૩૦ કલાકે યોજાશે, આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાજકિય અગ્રણી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં એઈમ્સ, દિલ્હીના પ્રમુખ શ્રી વાય. કે. ગુપ્તા તેમનું ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
વર્તમાન સમયમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) એક વૈશ્વિક ખતરો બની રહ્યો છે, જેને તબીબી જગતમાં ‘સાઇલન્ટ પેન્ડેમિક’ એટલે કે મૌન મહામારી તરીકે ઓળખવામાં આવે છે. આ ગંભીર સમસ્યા સામે લડવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક શક્તિશાળી રાષ્ટ્રીય અભિયાન છેડ્યું છે. આ અભિયાન હેઠળ ભારતભરના ૨૦ થી વધુ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાત રાજ્ય આ અભિયાનમાં અગ્રેસર રહ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ પણ ગુજરાત રાજ્યથી જ કરવામાં આવી રહ્યો છે, જે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના અવિવેકી ઉપયોગ સામે જાગૃતિ લાવી જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે.
ઉલ્લેખનિય છે કે, ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ શ્રી મોન્ટુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ સમારંભ અગાઉ સવારના જાગૃતિ રેલી યોજાશે. સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર આ કાર્યક્રમ દરમિયાન પેનલ ડીસ્કશન, નિષ્ણાંતોના વક્તવ્ય, પોસ્ટર પ્રેઝન્ટેશન, ફાર્મા ક્વીઝ જેવી ટેકનિકલ સ્પર્ધાઓ યોજાશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેનાર ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ અભિયાનમાં દેશના વિશાળ નેટવર્કમાં કાર્યરત ફાર્માસિસ્ટો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને જાહેર આરોગ્યના અગ્રણી સંરક્ષકો એટલે કે ‘ફ્રન્ટલાઇન પબ્લિક હેલ્થ સ્ટેવર્ડ્સ’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ શ્રી ભરતભાઈ બી. પટેલના જણાવ્યા અનુસાર, ફાર્મસી શિક્ષણ અને વ્યવસાયનું નિયમન કરતી આ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ વીક ૨૦૨૬’ ની ઉજવણીનો એક મુખ્ય ભાગ છે. આ કાર્યક્રમ દ્વારા ફાર્મસી સમુદાયને સંગઠિત કરી AMR ના ખતરા સામે લડવા માટે સજ્જ કરવામાં આવશે.