Close

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ : રાષ્ટ્રીય પદયાત્રામાં સાંસ્કૃતિક અને કલાત્મક ઉત્સવની થશે અનુભૂતિ

Publish Date : 01/12/2025

સાંસ્કૃતિક કાર્યક્રમોના ભવ્ય આયોજન થકી સરદાર પટેલના પ્રેરક જીવન-કવનને કલાના માધ્યમથી લોકો સુધી પહોંચાડાશે

ડાયરો, નૃત્ય નાટિકા, લોકકલા, સ્ટેજ શો, બેન્ડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય

રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, ડૉ. નિર્મલદાન ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારોના સ્વરે જામશે ડાયરાની રમઝટ

આણંદ,મંગળવાર: ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા માત્ર એક પદભ્રમણ નહીં, પણ સાંસ્કૃતિક અને કલાત્મક ઉત્સવ પણ બની રહેશે. સરદાર સાહેબના પ્રેરક જીવન-કવન અને રાષ્ટ્ર માટેના યોગદાનને કલાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે પદયાત્રાના સમગ્ર રૂટ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પદયાત્રાના વિરામ સ્થળો અને રાત્રિ રોકાણના સ્થળો પર દરરોજ ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય રજૂ કરતા કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. ગુજરાતના સમૃદ્ધ લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખતા ડાયરાની ભવ્ય રમઝટ જામશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો પોતાની કલા પીરસીને પદયાત્રીઓ અને દેશપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, સંતશ્રદ્ધા (કુશલ દિક્ષીત), ડૉ. નિર્મલદાન ગઢવી, અલ્પાબેન પટેલ અને રણજીત વાંક સહિતના જાણીતા કલાકારો પોતાના સ્વરે અને શૈલીમાં સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી પ્રેરક વાતો રજૂ કરીને લોકમાનસમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત કરશે.

ડાયરો ઉપરાંત નૃત્ય નાટિકા, ભવાઈ, મંચ શો (સ્ટેજ શો), સંગીતમય બેન્ડ પ્રસ્તુતિઓ અને વિવિધ લોકનૃત્યો જેવી કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવામાં આવશે. પદયાત્રા જે ગામમાં રાત્રિ રોકાણ કરે તે ગામમાં ભવ્ય સ્ટેજ શોમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.

૧૧ દિવસ સુધી ચાલનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ તો વધશે, સાથે સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આ પદયાત્રા માનસિક અને ભાવનાત્મક એકતાનું પણ માધ્યમ બનશે. કલા અને સંસ્કૃતિના માધ્યમથી રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમની ભાવનાનું સિંચન કરતી આ રાષ્ટ્રીય પદયાત્રામાં સહભાગી થવા સૌ દેશપ્રેમીઓને અનુરોધ કરવામાં આવે છે.