શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા
Publish Date : 26/11/2025
સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસાને મળ્યું અધ્યતન સોનોગ્રાફી મશીન
ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સુધી સોનોગ્રાફી કરાવવા આવવાની હવે જરૂર રહેશે નહીં – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
આણંદ, મંગળવાર: શહેરની સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબદ્ધતા દાખવી છે.રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ બનાવાયા છે.જે અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને શહેરી કક્ષાની શ્રેષ્ઠતમ આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આગવી દરકાર લેવાઈ રહી છે.
આણંદ જિલ્લાના સારસા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોનોગ્રાફી મશીન ન હોવાને કારણે ત્યાં આવતા દર્દીઓએ સોનોગ્રાફી કરાવવા માટે આણંદ સુધી આવવું પડતું હતું આ ઉપરાંત સગર્ભા માતાઓને ખાસ તકલીફ પડતી હતી.જે ધ્યાને લઈને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને સારસા સીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી અધ્યતન સોનોગ્રાફી મશીન ખરીદી કરી શકાય તેવી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.જે અન્વયે સીએચસી સેન્ટર ખાતે રૂપિયા ૨૦.૭૦ લાખનું અધ્યતન સોનોગ્રાફી મશીન રોગી કલ્યાણ સમિતિના ફંડમાથી ખરીદ કરવામાં આવ્યું. જેનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, આ સોનોગ્રાફી મશીન દ્વારા દર્દીઓને સારવારમાં મદદરૂપ થશે અને દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળશે.ખાસ કરીને સગર્ભા માતાઓ બહેનોને વિશેષ લાભ મળશે. કોઈપણ દરદીને વિના મૂલ્યે સોનોગ્રાફી કરી શકાશે જેથી આજુબાજુના ગામના લોકોને સારવાર મળી રહેશે અને આ માટે શહેર સુધી સોનોગ્રાફી કરાવવા માટે જવાની જરૂર રહેશે નહીં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઇ પટેલ, સીએચસીના ડૉ વિલ્સન, આરકેએસના સભ્યો અને સીએચસીનો સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા