વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી
Publish Date : 29/12/2025
પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ડી.એન. હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો
સાહિબજાદાઓના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજના બાળકોને પ્રેરણા મળે છે: પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા
આણંદ,શુક્રવાર: ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજીના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને આણંદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં ડી.એન.હાઈસ્કૂલના મહાત્મા ગાંધી હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, મોગલ શાસક ઔરંગજેબના સમયમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. ધર્મની રક્ષા અને માનવ મૂલ્યોની સ્થાપના માટે ગુરુ ગોબિંદ સિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાન ગુરુજીએ તેમના પરિવાર સાથે આનંદપુર સાહિબ છોડવું પડ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચમકૌરના યુદ્ધ દરમિયાન ગુરુજીના મોટા બે પુત્રો સાહિબજાદા અજીત સિંહજી અને સાહિબજાદા જુઝાર સિંહજી વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ ગુરુ ગોબિંદ સિંહજી તેમની માતા ગુજરીજી તથા બે નાના પુત્રો સાથે આગળ વધ્યા હતા.સરસા નદી પાર કરતી વખતે પરિવાર અલગ પડી ગયો હતો.
બે નાના સાહિબજાદા અને માતા ગુજરીજીને ગુરુજીના વફાદાર નોકર ગંગુ બ્રાહ્મણે પોતાના ઘરે આશરો આપ્યો હતો, પરંતુ લાલચમાં આવી તેણે મોગલ અધિકારીઓને જાણ કરી દીધી હતી. પરિણામે ત્રણેયને પકડીને સરહિંદના સુબા વઝીર ખાન પાસે લઈ જવામાં આવ્યા હતા.
વઝીર ખાને બે નાના સાહિબજાદાઓને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ અને ધમકી આપી હતી, પરંતુ નાની ઉંમર હોવા છતાં બંને સાહિબજાદાઓ અડગ રહ્યા અને જણાવ્યું હતું કે, “અમે ગુરુ ગોબિંદ સિંહજીના પુત્રો છીએ. અમારો ધર્મ અમારું સર્વસ્વ છે અને અમે ક્યારેય ધર્મનો ત્યાગ કરીશું નહીં.”
આખરે વઝીર ખાનના આદેશથી બંને સાહિબજાદાઓને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાનો આઘાત સહન ન કરી શકતાં માતા ગુજરીજીએ પણ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.
પ્રભારીમંત્રીશ્રી વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, આ બે વીર બાળકોના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજના બાળકોને પ્રેરણા મળે છે. ભારત સરકારે વર્ષ-૨૦૨૨થી ૨૬મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનો નિર્ણય લીધો છે, જે યુવા પેઢીમાં દેશભક્તિ, સાહસ અને મૂલ્યબોધ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાના પટ્ટાગણમાં સાહિબજાદાઓના બલિદાનની ગાથા વર્ણવતા સ્ટેન્ડી પણ ઉભા કરવામાં આવ્યા હતા.તદ્ઉપરાંત કાર્યક્રમના પ્રારંભમાં વીર બાલ દિવસની ઉજવણીનો હેતુ દર્શાવતો વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા અગ્રણી મહેશભાઈ પટેલ,અમૂલના પૂર્વ અગ્રણી કાંતીભાઈ સોઢા પરમાર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કામિનીબેન ત્રિવેદી, સંસ્થાના સેક્રેટરીશ્રી કે.ડી.પટેલ,શાળાના આચાર્યશ્રી અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી

વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી