વિશ્વ યોગ દિવસ: એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’
Publish Date : 20/06/2025
જિલ્લાના નાગરિકો યોગને રોજિંદા જીવનમાં અપનાવે: જિલ્લા કલેકટરશ્રી.
વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ યોજી પત્રકાર પરિષદ.
વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.
આણંદ જિલ્લામાં તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા સહિતના સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાશે.
આણંદ,ગુરુવાર: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
આ વર્ષે ૨૧ મી જૂન, ૨૦૨૫ ના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયામાં કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો યોજાનાર છે. જિલ્લામાં યોગ દિનની ઉજવણી અંતર્ગત હાથ ધરવામાં આવેલ આયોજનોથી મીડિયાના મિત્રોને અવગત કરાવવા આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે ૦૫-૪૫ થી ૮-૦૦ કલાક દરમિયાન યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાનો દરેક નાગરિક યોગને પોતાના રોજિંદા જીવનમાં અપનાવે તે જરૂરી છે, જેના થકી શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું થશે. વ્યક્તિ તંદુરસ્ત હશે તો સમાજ અને રાજય તંદુરસ્ત બનશે અને તેના થકી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે જિલ્લાના ધાર્મિક, પ્રવાસન, હેરિટેજ, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે તાલુકા કક્ષાએ પણ યોગ દિનની ઉજવણી માટે સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જે મુજબ ખંભાતમાં માંદડા તળાવ ખાતે, બોરસદમાં સૂર્યમંદિર ખાતે, ઉમરેઠમાં એસ. એન. ડી. ટી. ગ્રાઉન્ડ, ઉમરેઠ અને રામ તળાવ ઉમરેઠ ખાતે, આંકલાવમાં આંકલાવ હાઈસ્કૂલ ખાતે, પેટલાદમાં એન કે. હાઇસ્કુલ પેટલાદ ખાતે અને વિરાંજલી ગાર્ડન, સુણાવ રોડ, પેટલાદ ખાતે, સોજીત્રામાં શ્રી એમ. એમ. પટેલ હાઇસ્કુલ, પીપળાવ ખાતે અને એમ. એમ. હાઇસ્કુલ, સોજીત્રા ખાતે જ્યારે તારાપુર તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.
યોગ દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઓડ ખાતે સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કુલ ગ્રાઉન્ડ- ૧ ખાતે ભાઈઓ માટે અને ગ્રાઉન્ડ- ૨ ખાતે બહેનો માટે યોગ દિવસની ઉજવણી કરાશે. આ ઉપરાંત બોરીયાવી નગરપાલિકા કક્ષાની યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે કરવામાં આવશે.
આ ઉપરાંત આણંદ જિલ્લાની કોલેજો, હાઇસ્કુલો અને પ્રાથમિક શાળાઓ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના કર્મીઓ હાજર રહ્યા હતા.
