Close

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ

Publish Date : 16/01/2026

તેજસ્વી વિદ્યાર્થીની વિધિ સિંહને પ્રતિષ્ઠિત ‘પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ’ એનાયત

આણંદ, શુક્રવાર: આણંદના વલ્લભ વિદ્યાનગરની પુણ્યધરા પર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્રે આજે એક નવી સુવર્ણ કલગી ઉમેરાઈ છે. યુનિવર્સિટીની તેજસ્વી સંશોધક વિદ્યાર્થિની વિધિ સિંહને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી દેશની અત્યંત પ્રતિષ્ઠિત ‘પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ’ (PM Fellowship) એનાયત કરવામાં આવી છે. આ સફળતા માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રમાણ તેમજ આણંદ જિલ્લો અને સમગ્ર રાજ્યનું ગૌરવ છે.

ભારત સરકારના CII-ANRF એટલે કે (કોનફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી – અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન’) દ્વારા સંચાલિત આ ફેલોશિપ માટે ગત ૨૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ એપેક્સ કાઉન્સિલની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં દેશભરના અનેક સંશોધકો વચ્ચે વિધિ સિંહની તેમની પ્રતિભા અને પ્રોજેક્ટની ઉપયોગિતાને ધ્યાને રાખી પસંદગી કરવામાં આવી હતી. જેની સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે.

આ ફેલોશિપનો હેતુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત કરવાનો છે. તેની વિશેષતા એ છે કે તે માત્ર થીયરી પૂરતી મર્યાદિત નથી. આ યોજના દ્વારા વિધિ સિંહને ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ એમ બંનેનો સંયુક્ત અનુભવ મળશે. આનાથી એવા સંશોધનો થશે જે સીધા જ ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષશે અને દેશના વિકાસમાં સીધો ફાળો આપશે. વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને માર્ગદર્શન હેઠળ વિધિ હવે તેમના સંશોધન કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જઇ શકશે.

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિશ્રી નિરંજનભાઇ પટેલએ વિધિ સિંહની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પત્ર પાઠવી હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે વિધિની આ સફળતા સમગ્ર યુનિવર્સિટી અને સંશોધન જગત માટે ગૌરવની વાત તેમજ અન્ય હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક દ્રષ્ટાંત છે.

હવે પછીના તબક્કામાં ફેલોશિપના નિયમ અનુસાર વિદ્યાર્થીની વિધિ સિંહે યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર વચ્ચે ‘મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ’ (MoA) સહી કરવાની પ્રક્રિયા હાથ ધરી પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયા આગામી તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જે બાદ વિધિ સિંહના સંશોધન કાર્યને સત્તાવાર રીતે વેગ મળશે.

 

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ