ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૫ મી નવેમ્બરના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ આણંદ ટાઉન હોલ ખાતે યોજાશે

Publish Date : 17/11/2026

સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ટાઉનહોલ ખાતે કરાશે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી

આણંદ, શનીવાર , આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાન, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ અને કમિશનર શ્રી આર.એન.ડોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, આણંદ ટાઉન હોલ, આણંદ ખાતે મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે આદિજાતિ સમાજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી તેમને વિકાસની મુખ્ય ધારામાં અગ્રેસર બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આદિજાતિ સમાજના સર્વાંગી ઉત્કર્ષ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેઠાણ, ભોજન, શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય, ભોજન બિલ સહાય તેમજ સાધન સહાયનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. 

કરમસદ–આણંદ મહાનગરપાલિકાના તમામ નાગરિકો, પ્રબુદ્ધ શ્રેષ્ઠીઓ, યુવાનો તેમજ વિશેષ કરીને આણંદ જિલ્લામાં રહેતા આદિજાતિ સમાજના ભાઈઓ-બહેનોને આ ગૌરવપૂર્ણ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી બનવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.