પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો
Publish Date : 22/01/2026
રાજ્ય નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો કરાયો પ્રારંભ
-: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ :-
“ગાય, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ યાદ અપાવવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું”
“સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જરૂરી”
આણંદ, ગુરૂવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેનો પ્રારંભ રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે મિલેટ્સના મહત્વ અને નારી શક્તિના યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી અને જંક ફૂડના કારણે નવી પેઢી અનેક રોગોનો ભોગ બની રહી છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) નો મંત્ર આપીને પરંપરાગત આહાર તરફ પાછા વળવા આહવાન કર્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાજરી, જુવાર, રાગી અને કોદરી જેવા પરંપરાગત ધાન્યો આપણી સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છે. મેંદા અને પેકેટ ફૂડના વધતા ચલણ સામે મિલેટ્સ એ કુદરતી ઉપચાર છે, જે ડાયાબિટીસ અને બીપી જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. તેમણે ગર્ભવતી મહિલાઓના ઉચિત આહાર અને યોગ્ય વાંચન પર ભાર મૂકતા અભિમન્યુ અને શિવાજી મહારાજના ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે, સંસ્કારી અને મજબૂત પેઢીના ઘડતરનો પાયો માતાના ખોરાક અને વિચારોમાં રહેલો છે.
મંત્રીશ્રીએ નારી શક્તિના સામર્થ્યને બિરદાવતા કહ્યું કે, જ્યારે જ્યારે આસુરી શક્તિઓ વધી છે ત્યારે માં જગતજનનીએ અવતાર ધારણ કરી સંકટ દૂર કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓને ૩૩ ટકા અનામત અને ‘લખપતિ દીદી’ જેવી યોજનાઓ દ્વારા આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે. ‘સશક્ત નારી, સશક્ત પરિવાર અને સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા માટે નારી શક્તિનું યોગદાન અનિવાર્ય છે. તેમણે ‘ઓપરેશન સિંદુર’માં દીકરીઓના નેતૃત્વનો ઉલ્લેખ કરી ભારતીય નારીની વિરતાને બિરદાવી હતી.
અંતમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જન-જનના ઉત્થાન માટે કટિબદ્ધ છે તેમ જણાવી ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે ઉપસ્થિત સૌને સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને મિલેટ્સ અપનાવી વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ તકે સેમિનારના મુખ્ય વક્તા ધૈવતભાઈ હાથીએ જણાવ્યું હતું કે, જીવન જીવવાનો મુખ્ય ધ્યેય સુખાકારી છે, જેના માટે સારો ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ અનિવાર્ય છે. માનવીય પ્રવૃત્તિઓ વચ્ચે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જ પર્યાવરણને બચાવી શકે છે. તેમણે કચરાના વિવિધ પ્રકારો જેવા કે ઘરગથ્થુ, ઔદ્યોગિક, જોખમી (મેડિકલ અને કેમિકલ) અને જૈવિક કચરા વચ્ચેનો તફાવત સમજાવતા ખાસ કરીને ‘ઇ-વેસ્ટ’ (ઇલેક્ટ્રોનિક કચરો) પર ભાર મૂક્યો હતો.
તેમણે મોબાઇલ, લેપટોપ, ચાર્જર અને ઘરવપરાશના ઇલેક્ટ્રિક સાધનો જ્યારે બિનઉપયોગી બને છે, ત્યારે તે પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે તેમ કહી ઇ-વેસ્ટમાં પ્લાસ્ટિક ઉપરાંત રહેલી મર્ક્યુરી (પારો) જેવી ઝેરી ધાતુઓ રૂપી કચરાને વૈજ્ઞાનિક રીતે અલગ કર્યા વગર બાળવામાં આવે, પાણીમાં ફેંકવામાં આવે કે જમીનમાં દાટવામાં આવે, તો તે હવા, પાણી અને જમીન ત્રણેયને પ્રદૂષિત કરી માનવ સ્વાસ્થ્ય તેમજ પશુ-પંખીઓ માટે જીવલેણ સાબિત થાય છે તેમ જણાવ્યું હતું.
ધૈવતભાઈએ કચરાના યોગ્ય રીતે સંગ્રહ વહન પ્રક્રિયા અને નિકાલ તેમજ વર્ગીકરણ (Segregation) પર ભાર આપતા સમજાવ્યું હતું કે, જો કચરાને સ્ત્રોત પર જ અલગ કરવામાં આવે તો તેનું રિસાયકલિંગ સરળ બને છે અને પ્રદૂષણ ઘટાડી શકાય છે. પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ તમામ જીવમાત્ર માટે છે, તેથી જવાબદાર નાગરિક તરીકે વેસ્ટ મેનેજમેન્ટ એ આપણી નૈતિક ફરજ છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી હિરેનભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ, તાલુકાના હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો