તા. 09 નવેમ્બર, રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ

Publish Date : 12/11/2026

ન્યાયથી વંચિત ન રહે કોઈ નાગરિક, કાનૂની સહાય દરેકનો અધિકાર

આણંદ, શનિવાર, ભારત જેવા લોકશાહી અને કલ્યાણકારી દેશમાં ન્યાય, સમાનતા અને સામાજિક ન્યાયનું વિશેષ મહત્ત્વ છે. દેશના દરેક નાગરિકને ન્યાય મેળવવાનો સમાન અધિકાર છે. જોકે, આર્થિક પરિસ્થિતિ, સામાજિક મુશ્કેલીઓ અને કાનૂની જાગૃતિના અભાવને કારણે અનેક લોકો ન્યાય મેળવવાની પ્રક્રિયાથી દૂર રહી જાય છે. આવા જરૂરિયાતમંદ અને નબળા વર્ગના નાગરિકોને મફત કાનૂની સહાય મળી રહે અને દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ સુનિશ્ચિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 ભારતમાં કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987ના અમલીકરણ અને કાનૂની સહાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. વર્ષ 1995માં 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસ કાનૂની જાગૃતિ અને મફત કાનૂની સહાયના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાના હેતુથી ઉજવવામાં આવે છે.

 આ અંતર્ગત મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો, દિવ્યાંગ વ્યક્તિઓ, ઔદ્યોગિક કામદારો, માનવ તસ્કરીના ભોગ બનેલા લોકો તેમજ કાયદા હેઠળ નિર્ધારિત આવક મર્યાદામાં આવતા જરૂરિયાતમંદ નાગરિકોને મફત કાનૂની સહાય મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને તેમની આવક કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સહાય અંતર્ગત જરૂરિયાતમંદ વ્યક્તિને વકીલની સેવા, કાનૂની સલાહ, કેસ સંબંધિત જરૂરી ખર્ચ અને કોર્ટ ફી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 કાનૂની સેવા વ્યવસ્થામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ઉપરાંત રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કાનૂની સેવા સત્તામંડળ કાર્યરત છે. આ સંસ્થાઓ દ્વારા નાગરિકોને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવાની સાથે કાનૂની જાગૃતિ શિબિરો, લોક અદાલતો અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલત ન્યાય વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેના માધ્યમથી પરસ્પર સંમતિ અને સમજણ દ્વારા અનેક પ્રકારના વિવાદોનું ઝડપી અને સરળતાથી નિરાકરણ લાવી શકાય છે. આ પ્રક્રિયાથી નાગરિકોને લાંબી કાનૂની કાર્યવાહી અને સમયના ખર્ચમાંથી પણ રાહત મળે છે.

 આજના સમયમાં કાનૂની જાગૃતિનું મહત્ત્વ વધુ વધ્યું છે. ઘણી વખત લોકો પોતાના અધિકારો અને કાયદા દ્વારા મળતી સુવિધાઓથી અજાણ હોવાને કારણે ન્યાય મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી કાનૂની સહાયની યોજનાઓ વિશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવી જરૂરી છે. શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પણ કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજીને નાગરિકોને તેમના અધિકારો અને ફરજો અંગે માહિતગાર કરી શકાય છે.

 રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ માત્ર એક વિશેષ દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી ન્યાય પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો અવસર છે. ત્યારે આ દિવસ દરેક

નાગરિકને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા અને ન્યાયની સુવિધાઓનો લાભ લેવા માટે પ્રેરણા આપે છે.