તમાકુ નિયંત્રણ કાયદા (COTPA-2003) હેઠળ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ
Publish Date : 13/01/2026
કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. ૩૯,૭૧૦/- નો દંડ વસૂલાયો
આણંદ, સોમવાર: વિશ્વભરમાં વધી રહેલા તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલમાં છે. આ દિશામાં સક્રિય પગલાં લેતા કરમસદ-આણંદ મહાનગરપાલિકા કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ (COTPA-2003) હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત ગણેશ ચોકડી, બાકરોલ, કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, લાંભવેલ અને ગામડી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન કરતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરી તમાકુ વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની વિગતો મુજબ, જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ કલમ-૪ અંતર્ગત ૪૭ વ્યક્તિઓ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તમાકુ વેચવા તેમજ ખરીદવા બદલ કલમ-૬ અ હેઠળ ૨૩૮ વ્યક્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરવા બદલ કલમ-૬ બ અન્વયે ૪૧ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી દંડ પેટે રૂ. ૩૯,૭૧૦ જેટલી રકમ વસૂલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં દરરોજ અંદાજે ૩,૭૦૦ લોકો તમાકુના વ્યસનને કારણે જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની દંડનીય કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય અને યુવા પેઢીને વ્યસનમુક્ત બનાવી શકાય.