Close

ગુજરાત પંચાયત પરિષદ તથા ગુજરાતની જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓની રજૂઆતની ફળશ્રુતિ

Publish Date : 02/01/2026

રાજ્યના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

૩૪ જિલ્લાઓની જિલ્લા પંચાયતોના પ્રમુખોને  ૧ કરોડ રૂપિયાની  વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

આણંદ, ગુરૂવાર: ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈ (નવસારી), ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલ (આણંદ) અને ગુજરાતના તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની બધી જ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓને રૂ. ૧ કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે.

રાજ્યમાં ધારાસભ્યશ્રીઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે ૨.૫ કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીશ્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયથી જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી. જેને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને વધાવતાં ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે જે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે, તેના કારણે ગ્રામીણ વિકાસ કામોને વેગ મળશે. આ નિર્ણય બદલ ગુજરાત પંચાયત પરિષદ દ્વારા મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.