કોઈપણ ઉંમરની NRI વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી
Publish Date : 05/02/2026
NRI અને વિદેશી નાગરિકો માટે આધાર નોંધણી અંગેની નવીન માર્ગદર્શિકા જાહેર
આધાર નોંધણી અને આધાર અપડેટ માટેના સ્વીકાર્ય દસ્તાવેજોની સુધારેલી યાદી જાહેર
આણંદ, મંગળવાર: ભારત સરકારના નિયમો (SCHEDULE II, Regulations 10(2) and 19(4) મુજબ, આધાર નોંધણી અને અપડેટની પ્રક્રિયા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં કોઈપણ ઉંમરની NRI વ્યક્તિઓ, OCI કાર્ડ ધારકો અને ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટેના જરૂરી પુરાવાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
NRI અને વિદેશી નાગરિકો માટેની વિગતવાર માર્ગદર્શિકા મુજબ કોઈપણ વયની NRI વ્યક્તિ જ્યારે આધાર નોંધણી માટે અરજી કરે ત્યારે તેમણે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે નિર્દિષ્ટ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
અન્ય વિદેશી નિવાસીઓ માટેની શ્રેણી મુજબની વિગતો મુજબ માન્ય OCI કાર્ડની સાથે માન્ય વિદેશી પાસપોર્ટ ધરાવતા રહેવાસીઓ, જેઓ નોંધણીની તારીખથી તરત જ અગાઉના ૧૨ મહિનામાં ૧૮૨ દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં રહેલા હોવા જોઈએ. તેમજ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) કે જેઓ મૂળ દેશ દ્વારા જારી કરાયેલ વિદેશી પાસપોર્ટ (માન્ય અથવા સમયસીમા સમાપ્ત) અને ભારત દ્વારા અપાયેલ માન્ય લાંબા ગાળાના વિઝા (LTV) દસ્તાવેજ ધરાવે છે.
એ ઉપરાંત નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે નેપાળ કે ભૂટાનનો પાસપોર્ટ હોવો જરૂરી છે. જો પાસપોર્ટ ઉપલબ્ધ ન હોય, તો સમાન સરનામું ધરાવતા કોઈ પણ બે દસ્તાવેજો જમા કરાવવા પડશે, જેમાં માન્ય નેપાળી અથવા ભૂતાની નાગરિકતા પ્રમાણપત્ર, નેપાળ અથવા ભૂટાનના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખકાર્ડ તથા નેપાળી મિશન અથવા રોયલ ભૂટાનીઝ મિશન દ્વારા જારી કરવામાં આવેલ મર્યાદિત માન્યતા ધરાવતું ફોટો ઓળખ પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.
અન્ય વિદેશી નાગરિકો માટે માન્ય વિદેશી પાસપોર્ટની સાથે માન્ય વિઝા હોવા ફરજિયાત છે.
OCI કાર્ડ ધારકો, LTV ધારકો અને નેપાળ/ભૂટાનના નાગરિકો સિવાયના તમામ વિદેશી નિવાસીઓએ Foreigners Regional Registration Office (FRRO) અથવા Foreigners Registration Office (FRO) દ્વારા જારી કરાયેલ માન્ય નોંધણી પ્રમાણપત્ર અથવા રહેણાંક પરમિટ (Residential Permit) રજૂ કરવાની રહેશે.
આ તમામ નિયમો અને દસ્તાવેજોની યાદી આધાર નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે જાહેર કરવામાં આવી છે.