Close

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: પ્રથમ દિવસ

Publish Date : 27/06/2025

દરેક વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવે તે ખૂબ જ જરૂરી – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર.

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસ દરમિયાન બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તા. ૨૬, ૨૭ અને તા. ૨૮ ત્રણ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગામેગામ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવીને કરવામાં આવી રહી છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પહેલા દિવસે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ,ગાંધીનગરના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે આણંદ તાલુકાના વઘાસી ગામ ખાતે સિનિયર બેઝિક ખેતી શાળા ત્યારબાદ સંદેશર ગામની પ્રિતમ હાઇસ્કુલ અને વલાસણ ગામ ખાતે આવેલી ડી. એસ. પટેલ એન્ડ ટી જે ઇનામદાર હાઇસ્કુલ ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી મુકેશ કુમારે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવે છે, તેઓ માધ્યમિક શાળાનું ભણતર પૂર્ણ ન થાય ત્યાં સુધી અધવચ્ચેથી શાળા છોડી ન જાય તે ખૂબ જ જરૂરી છે.આ ઉપરાંત તેમણે વાલીઓને ખાસ જણાવ્યું કે, હાલ પ્રવેશ મેળવનાર દરેક બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.

વધુમાં  તેમણે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધે તે પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.આ સાથે જ શિક્ષકો અને વાલીઓને તેમણે જણાવ્યું હતું કે,દરેક બાળક શાળામાં પોતાની હાજરી ૧૦૦ ટકા આપે એટલે કે બાળક નિયમિત શાળામાં આવે તે જોવાની જવાબદારી વાલીઓની સાથે શિક્ષકો નિભાવે તેમ જણાવી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં વધુ રસ કેળવાય તે મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સંબંધી જાણકારી આપવા તેમણે જણાવ્યું હતું.

આ કાર્યકર્મમાં નાયબ કલેકટર શ્રી એસ ડી. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, સી.આર.સી કોઓર્ડીનેટર શિક્ષકો વાલીઓ ગ્રામજનો અને એસએમસી સમિતિના સદસ્યો હાજર રહ્યા હતા.