આણંદ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં ‘પનીર’ અને ‘એનાલોગ’ બાબતે કાર્યવાહી હાથ ધરાઈ
Publish Date : 09/04/2026
ઝુંબેશ અંતર્ગત કુલ ૮૪ હોટેલ અને ફૂડ સ્ટ્રીટ એકમોની તપાસ કરવામાં આવી
આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં ‘પનીર’ ના નામે પીરસાતા એનાલોગ (વેજીટેબલ ફેટ યુક્ત પનીર) ના વપરાશ સામે વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
તંત્ર દ્વારા તમામ ખાદ્ય એકમો, હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ્રીટ સંચાલકો માટે નીચે મુજબની જાણકારી આપવી હવે ફરજિયાત બનાવવામાં આવી છે., જેમાં મેનુ કાર્ડ અને નોટિસ બોર્ડ પર ગ્રાહકો સ્પષ્ટ જોઈ શકે તે રીતે પનીર અથવા એનાલોગ માંથી કોનો ઉપયોગ થયો છે તેની માહિતી આપવી, રસોઈ બનાવવા માટે કયા કૂકિંગ મીડિયમ (તેલ/ઘી) નો ઉપયોગ કરવામાં આવે છે તેની વિગતો દર્શાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન આણંદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારો જેવા કે ટાઉન હોલ, વિદ્યાનગર વગેરેની ફૂડ સ્ટ્રીટ અને હોટેલોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૮૪ હોટેલ અને ફૂડ સ્ટ્રીટ એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પનીર અને એનાલોગના તફાવત બાબતે સંચાલકોને જરુરી માહિતી અને અવેરનેસ (જાગૃતિ) આપવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે મોટા પાયે સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. જેમાં હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અથાણાં, સોસ, ઘી અને ખાદ્યતેલના ૨૭ નમૂના, હોલસેલ અને રિટેલ વિક્રેતાઓ પાસેથી મરી-મસાલાના ૨૦ નમૂના, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, શેક અને ચોકલેટના ૧૧ નમૂના, પેકેજિંગ વોટરના ૩ નમૂના તેમજ શ્રીખંડ/મઠાના ૫ નમૂના લેવામાં આવ્યા છે. તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનાર એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.