આણંદ જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)
Publish Date : 12/11/2025
તા. ૦૪ ડિસેમ્બર પહેલા ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી
આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ સવલતો, હવે રજાના દિવસે પણ મળશે મદદ
તા.૧૫ અને ૧૬ તેમજ તા.૨૨ મી અને ૨૩મી શનિવાર-રવિવારના દિવસોમાં બીએલઓ શ્રીઓ મતદાન મથકો પર સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૧૩-૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે
આણંદ, બુધવાર: ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં આણંદ જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ચાલી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ શુદ્ધ અને ચોકસાઈ વાળી બનાવવાનો છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આ પ્રક્રિયામાં સહકાર આપે અને આગામી ચોથી ડિસેમ્બર પહેલા ઈન્યુમરેશન ફોર્મ ભરીને બીએલઓ (BLO) શ્રીને પરત કરે. મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ બુથ લેવલથી લઈને ડિજિટલ સ્તર સુધીની વિશેષ સુવિધાઓ ઊભી કરી છે.
જિલ્લાના મતદારોની સુગમતા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેમાં બીએલઓ શ્રી શનિવાર અને રવિવારના દિવસે પણ તેમના મતદાન મથકો ખાતે હાજર રહેશે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું કે આગામી તા. ૧૫ મી અને ૧૬ મી (શનિવાર-રવિવાર) તેમજ તા. ૨૨મી અને ૨૩ મી (શનિવાર-રવિવાર)ના દિવસો દરમિયાન તમામ બીએલઓ શ્રીઓ તેમના મતદાન મથકો પર સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે. જો મતદાર ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય, તો મતદારો તેમના મતદાન મથક ખાતે જઈને માર્ગદર્શન મેળવી શકે છે અને ભરેલા ફોર્મ્સ પણ ત્યાં બીએલઓ શ્રીને પરત કરી શકે છે.
શહેરી કે ગ્રામ્ય વિસ્તારોના જે મતદારો મતદાન મથક સુધી પહોંચી શકે તેમ ન હોય, તેમના માટે ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ છે. તમામ મતદારોને SIRની પ્રક્રિયામાં સુગમતા રહે તે માટે હેલ્પલાઇન એપ્લિકેશન પર ‘બુક એ કોલ વિથ બીએલઓ’ની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ તમામ મતદારોને આ બુક એ કોલ એપ્લિકેશન થકી તેમના બીએલઓ શ્રીનો કોન્ટેક્ટ કરવા માટે પણ વિનંતી કરી છે. આ ઉપરાંત, મતદારો વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો ૧૯૫૦ નંબરની હેલ્પલાઇન ઉપર પણ તાત્કાલિક સંપર્ક સાધી શકે છે.
ફોર્મ ભરતી વખતે ઊભી થતી તાત્કાલિક તકલીફોના નિવારણ માટે વિશેષ કોન્ટેક્ટ સેન્ટર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. મતદારોની સુવિધા માટે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભા દીઠ કોન્ટેક્ટ નંબર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નંબરો પર મતદારો કન્સર્ન મતદાન નોંધણી અધિકારીની ટીમને સંપર્ક કરી શકે છે અને ઈન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ જણાય કે પ્રશ્ન હોય, તો ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ મતદાર ફોર્મ ભર્યા વગર રહી ન જાય.
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૦%થી વધારે મતદારોને ઈન્યુમરેશન ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીની અંતિમ અપીલ એ છે કે જો હજી પણ કોઈ મતદારને ફોર્મ ન મળ્યું હોય અને તેમનું નામ મતદાર યાદીમાં હોય, તો તાત્કાલિક બીએલઓ શ્રી અથવા તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને ફોર્મ મેળવે અને ચોથી ડિસેમ્બર પહેલા કન્સર્ન બીએલઓ શ્રી સુધી પહોંચાડે.
સમયસર ફોર્મ ભરવાથી મતદાર યાદી વધુ શુદ્ધ અને સચોટ બની શકશે, જે લોકશાહીના પાયાને મજબૂત કરવાનું કાર્ય છે. આ પ્રક્રિયામાં મતદારોનો સક્રિય સહયોગ લોકશાહીના તહેવાર માટેનું પ્રથમ પગથિયું છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે.