• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જયશ્રીબેન પંચાલ

Publish Date : 08/09/2025

શાલ, પ્રમાણપત્ર તથા રોકડ ઈનામથી સન્માનિત કરાયા

જયશ્રીબેન પંચાલે  અંગ્રેજી શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ‘અંગ્રેજી ડીક્ષનેરી’ તાથ સંસ્કૃત વિષયના માર્ગદર્શન માટે “સંસ્કૃત સુધા” પુસ્તક પ્રકાશન કાર્ય કર્યું

આણંદ, શુક્રવાર: આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલ છેલ્લા ૩૭ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બનાવે છે.

વર્ષ ૨૦૨૫માં  આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે તેમની ૩૭ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક કામગીરીને તેમની શૈક્ષણિક યાત્રાને બિરદાવતા તેમને નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી સહીતના મહાનુભાવોન હસ્તે બુકે, શાલ, પ્રમાણપત્ર તથા રૂપિયા ૧૫,૦૦૦નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી જયશ્રીબેન પંચાલ એક એવું વ્યક્તિત્વ જે  સતત કાર્યશીલ રહીને શિક્ષણના કાર્યક્ષેત્રેને નિષ્ઠાથી પ્રમાણિકતાથી શોભાવે  છે. શાળામાં તેઓની ૧૦૦ ટકા હાજરી સાથી શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓ બાળકોને વાત્સલ્યસભર શિક્ષણ આપે છે. જેના લીધે બાળકો શૈક્ષણિક કાર્યમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લે છે.પોતે નિયમિત અને શિસ્તના આગ્રહી હોવાથી તેમના વિદ્યાર્થીઓમાં પણ નિયમિતતા અને શિસ્તનાં ગુણ જોવા મળે છે.

બાળકો હંમેશા, સતત નવું શીખી જ્ઞાન પ્રાપ્ત કરે તથા બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓનાં પ્રયત્નો શાળા કક્ષાએ ઉચ્ચ રહ્યા છે. લર્નિંગ મટીરીયલ્સ રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવું અને સમજાવવું એ તેમનો સ્વભાવ બન્યો છે. તેઓ શાળા સમય પહેલા અને બાદ વિદ્યાર્થી ના શિક્ષણકાર્યને લઈને સતત વાલીઓના સંપર્કમાં રહે છે.

નવતર પ્રયોગો દ્વારા શિક્ષણ આપવું અને તાલુકા, જિલ્લા કક્ષાએ નવતર પ્રયોગો રજુ કરવા માટે તેઓ તત્પર રહે છે. તેમણે વર્ષ ૨૦૨૨માં રમતા રમતા અંગ્રેજી શીખીએ અને વર્ષ ૨૦૨૪માં રમતા રમતા સંસ્કૃત શીખીએ ઇનોવેશન રજુ કરેલ છે.

શાળાની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે તેઓ હમેશા આર્થિક સહયોગ આપી શાળા વિકાસમાં યોગદાન આપે છે. તેઓશ્રીએ ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓનું  અંગ્રેજી શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ‘અંગ્રેજી ડીક્ષનેરી’ અને સંસ્કૃત વિષયના માર્ગદર્શન માટે “સંસ્કૃત સુધા પુસ્તક” નું સંકલન કરી પ્રકાશિત કરેલ છે. ધોરણ-8 માં N.M.M.S.ના વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે શાળા સમય બાદ તેમજ રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે. જેને કારણે દર વર્ષે ૮ થી ૧૦ વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે. તેઓશ્રીને હાડગુડ ગ્રામ પંચાયત તરફથી શ્રેષ્ઠ નિયમિત શિક્ષક, રોટરી ક્લબ આણંદ દ્વારા નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.ડીસેમ્બર -૨૦૨૪માં તેમેને પ્લાસ્ટિક મુક્ત શાળા અને ગામ અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ  મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

તેઓશ્રીને વર્ષ ૨૦૨૩મા આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પણ પ્રાપ્ત થયેલ છે.

શ્રી જયશ્રીબેન પંચાલના અવિરત પ્રયત્નો અને કાર્યોએ શાળા અને જિલ્લાને શિક્ષણક્ષેત્રે ગૌરવરૂપ સ્થાન અપાવેલ છે. તેમની શૈક્ષણિક યાત્રા અન્ય શિક્ષકો માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છા સહ.

 

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જયશ્રીબેન પંચાલ