આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન
Publish Date : 02/12/2025
આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય,આણંદ ખાતે આજે પ્રાકૃતિક ખેતી અપનાવતા તેમજ મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો માટે “મોડલ ફાર્મ અદ્યતન કરવા માટેની વિશેષ તાલીમ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં આણંદ,અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સક્રિય હાજરી આપી અને નવા કૃષિ મૉડલ્સ, ટેકનિક્સ અને ક્ષેત્રિય સમસ્યાઓના ઉકેલો અંગે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું હતું.
તાલીમ દરમ્યાન નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના અદ્યતન પદ્ધતિઓ, મોડલ ફાર્મના વ્યવસ્થાપન, ઉત્પાદનક્ષમતા વધારવાના વૈજ્ઞાનિક અભિગમો, અને ખેડૂતોને પડતી વાસ્તવિક સમસ્યાઓના ઉકેલો અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટીના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં વિવિધ પ્રયોગો, પાક પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને તેમની જમીન, પાક તથા વ્યવસ્થાપન સંબંધિત પ્રશ્નો રજૂ કરવાની તક આપવામાં આવી.નિષ્ણાતોએ દરેક પ્રશ્નનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમથી જવાબ આપીને નિરાકરણની રીત સમજાવી.
આ તાલીમ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી વિષે વધુ વિશ્વાસ, ટેકનિકલ જ્ઞાન અને પોતાના મોડલ ફાર્મને આગળ વધારવા માટે જરૂરી દિશા પ્રાપ્ત થઈ. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં પણ આવા કૃષિ વિકાસકારક કાર્યક્રમો સતત યોજી ખેડૂતોને ટેકો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કે. બી. કથીરીયા,ડાયરેક્ટર ઑફ એક્સ્ટેન્શન એજ્યુકેશન ડૉ. જે. કે. પટેલ,શશ્ય વિજ્ઞાન વિભાગના વડા ડૉ. વિમલ પટેલ,આણંદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જી. સી. ભાલોડી,વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી ડૉ. યાવ. સિ. લાકુમ,આત્મા પ્રોજકટ, આણંદના બી. ટી. એમ શ્રી જયેન્દ્ર પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન