‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાન
પ્રકાશિત તારીખ : 02/09/2026
આણંદ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ
“શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ — સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત.”
આણંદ, મંગળવાર , પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યના ધાર્મિક સ્થળોની પવિત્રતા તથા પર્યાવરણની જાળવણી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત GPCB પ્રાદેશિક કચેરી–આણંદ દ્વારા આણંદ જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાનો ખાતે સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક નિયંત્રણ તથા પર્યાવરણ સંરક્ષણ અંગેની જનજાગૃતિની કામગીરી સઘનપણે હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ’ કરવાનો છે. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા સાથે ત્યાં સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તથા શ્રદ્ધાળુઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ વધે તે માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
૧૦૦ મીટર વિસ્તાર ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’
આ અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટર સુધીના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, યોગ્ય કચરા વ્યવસ્થાપન કરવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે આવશ્યક વ્યવસ્થાઓ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. તેમજ, ધાર્મિક સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ અપનાવી પ્લાસ્ટિકના વિકલ્પરૂપે પર્યાવરણમિત્ર વસ્તુઓના વપરાશને પ્રોત્સાહિત કરવામાં આવશે.
કચરાનું સ્ત્રોત પર જ વૈજ્ઞાનિક વિભાજન
ધાર્મિક સ્થળોએ ઉત્પન્ન થતા કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે કચરાને ઉદ્ભવ સ્થાન (સ્ત્રોત) પર જ અલગ-અલગ એકત્રિત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે, જે અંતર્ગત કચરાનું વિવિધ પ્રકારે વિભાજન કરવામાં આવશે. જેમાં પ્રકાર ‘A’ (ભીનો કચરો) જેમાં પ્રસાદ, ખાદ્ય અવશેષ, શાકભાજી વગેરે, પ્રકાર ‘B’ (નિર્માલ્ય/પૂજા સામગ્રી) જેમાં ફૂલ, હાર, લીલાપત્તા તથા અન્ય પૂજા સામગ્રી તેમજ પ્રકાર ‘C’ (સૂકો કચરો) જેમાં કાગળ, પ્લાસ્ટિક પેકેજિંગ, ધાતુ વગેરેને વિભાજીત કરવામા આવશે. આ રીતે કચરાનું સ્ત્રોત પર જ વિભાજન થવાથી તેના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને પુનઃઉપયોગને સરળતાથી વેગ મળશે.
પૂજા સામગ્રીમાંથી ખાતર, ધૂપ અને અગરબત્તીનું નિર્માણ
ધાર્મિક સ્થળોએ એકત્રિત થતી નિર્માલ્ય તથા પૂજા સામગ્રીને અન્ય સામાન્ય કચરા સાથે ભેળવવાને બદલે તદ્દન અલગથી એકત્રિત કરવામાં આવશે. આવી વપરાયેલી પૂજા સામગ્રીમાંથી ઓર્ગેનિક ખાતર/ કમ્પોસ્ટ, સુગંધિત ધૂપ અને અગરબત્તી જેવી ઉપયોગી વસ્તુઓ તૈયાર કરવાની વ્યવસ્થાને પ્રોત્સાહન અપાશે. જેનાથી કચરાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને પર્યાવરણ અનુકૂળ વ્યવસ્થાપન સુનિશ્ચિત થશે.
નાગરિકો અને સંચાલકોને વિશેષ અપીલ
આણંદ જિલ્લાના તમામ ધાર્મિક સ્થળોના સંચાલકોને પરિસરમાં સ્વચ્છતા જાળવવા, કચરાનું સ્ત્રોત પર વિભાજન કરવા, પૂજા સામગ્રી અલગ એકત્રિત કરવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણપણે ટાળવા માટે સહકાર આપવા અનુરોધ કરાયો છે. આ સાથે શ્રદ્ધાળુઓને પણ પ્રસાદ તથા પૂજા સામગ્રીનો કચરો જાહેર સ્થળોએ ફેંકવાને બદલે નિયત કચરાપાત્રમાં જ નાખવા અને ભીનો, સૂકો તથા નિર્માલ્ય કચરો અલગ રાખવા વિશેષ અપીલ કરવામાં આવી છે.
GPCB દ્વારા હાથ ધરવાયેલી આ પહેલનો મુખ્ય હેતુ માત્ર શ્રાવણ માસ પૂરતો મર્યાદિત ન રહેતા, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા, પ્લાસ્ટિક નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણની કાયમી વ્યવસ્થા લોકભાગીદારી દ્વારા વિકસાવીને તેને સતત જાળવી રાખવાનો છે. આણંદ જિલ્લાના તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ સેવા સંગઠનોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર તીર્થસ્થાનોના નિર્માણમાં સહયોગ આપવા GPCB પ્રાદેશિક કચેરી–આણંદ દ્વારા અપીલ કરવામાં આવી છે.