બંધ

વિશ્વ ઓઆરએસ (ORS) દિવસ: “ORS ફર્સ્ટ” થીમ સાથે બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન

પ્રકાશિત તારીખ : 30/07/2026

ઝાડા-ઊલટી સામે અકસીર અને જીવનરક્ષક ઉપાય એટલે ઓઆરએસ: ઘરે બનાવવાની સાચી રીત જાણો

વર્લ્ડ ઓઆરએસ ડે: ‘દરેક બાળક, દરેક ઝાડા વખતે’ ઓઆરએસના ઉપયોગ દ્વારા ડિહાઈડ્રેશન અટકાવવા આહવાન

આણંદ, બુધવાર, વિશ્વ ઓઆરએસ દિવસ નિમિત્તે આ વર્ષે “ORS ફર્સ્ટ: દરેક બાળક, દરેક ઝાડા, દરેક વખતે” ના સૂત્ર સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS) એ શરીરમાંથી ઘટી ગયેલા પાણી અને ક્ષારની પૂર્તિ કરી ડિહાઈડ્રેશન અટકાવે છે અને અમૂલ્ય જીવન બચાવે છે.

ઝાડા-ઊલટી દરમિયાન ઓઆરએસ એ બાળકનો શ્રેષ્ઠ મિત્ર સાબિત થાય છે, કારણ કે તે સુરક્ષિત, સરળ અને અત્યંત અસરકારક જીવનરક્ષક ઉપાય છે. જ્યારે પણ બાળકને ઝાડા કે ઊલટીના પ્રથમ લક્ષણો જણાય, ત્યારે તુરંત જ ઓઆરએસ આપવાનું શરૂ કરવું જોઈએ અને દરેક વખતે શૌચ કે ઊલટી થયા બાદ તેને ચાલુ રાખવું જોઈએ.

ઘરે ઓઆરએસ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જે છ સ્ટેપ્સમાં પૂર્ણ કરી શકાય છે. સૌ પ્રથમ સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ ધોઈને એક લિટર ચોખ્ખું ઉકાળીને ઠરેલું પાણી લેવું જોઈએ. આ પાણીમાં છ લેવલ ચમચી ખાંડ (આશરે ૩૦ ગ્રામ) અને એક લેવલ ચમચી મીઠું (આશરે ૨.૫ ગ્રામ) ઉમેરવું જરૂરી છે. ત્યારબાદ ખાંડ અને મીઠું સંપૂર્ણ ઓગળી ન જાય ત્યાં સુધી તેને બરાબર હલાવવું જોઈએ. આ તૈયાર થયેલું મિશ્રણ બાળકને નાના અને વારંવાર ઘૂંટડે આપવું હિતાવહ છે. ખાસ ધ્યાન રાખવું કે તૈયાર કરેલું ઓઆરએસ ૨૪ કલાકની અંદર જ વાપરી લેવું જોઈએ અને ૨૪ કલાક પછી બાકી રહેલા દ્રાવણનો નિકાલ કરી દરરોજ નવું અને તાજું દ્રાવણ બનાવવું જોઈએ.

ઓઆરએસ બનાવતી વખતે અને તેનો સંગ્રહ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી અત્યંત આવશ્યક છે. હંમેશા સ્વચ્છ વાસણો અને શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ તથા મીઠું કે ખાંડ નિર્ધારિત માત્રામાં જ નાખવા જોઈએ, તેમાં ક્યારેય ફળનો રસ, દૂધ કે અન્ય વધારાની વસ્તુઓ ઉમેરવી જોઈએ નહીં.

ઓઆરએસને હંમેશા ઢાંકેલા અને સ્વચ્છ વાસણમાં ઠંડી જગ્યાએ અથવા રેફ્રિજરેટરમાં રાખવું જોઈએ. ઓઆરએસ માત્ર પાણીની ખોટ પૂરી નથી કરતું, પરંતુ તે ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવીને ઝાડાની ગંભીરતા અને સમયગાળો ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. નાના ઘૂંટડા દ્વારા મળતું આ મોટું રક્ષણ બાળકના સ્વાસ્થ્ય માટે પાયાનું સાબિત થાય છે.