બંધ

બોરસદ તાલુકામાં તા.18 જુલાઈ ના રોજ વિકાસકાર્યોનો ધમધમાટ: મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આરોગ્ય મંદિર અને માર્ગોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

પ્રકાશિત તારીખ : 18/07/2026

ભાદરણ અને જંત્રાલમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ: ૧.૭૩ કરોડથી વધુના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરાશે

મંત્રી રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના વિકાસ યજ્ઞમાં નવા સોપાન ઉમેરાશે

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિકાસને નવી ગતિ આપવા માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે આજે તારીખ 18 જુલાઈ 2026 ને શનિવારના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ભાદરણ અને જંત્રાલ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓના મજબૂતીકરણ માટે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીશ્રી સાથે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને પ્રજાલક્ષી પ્રકલ્પોને ખુલ્લા મૂકશે.

બોરસદ તાલુકાના માર્ગોના આધુનિકીકરણ અને પરિવહનની સુવિધામાં વધારો કરવાના હેતુથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂપિયા ૯૦ લાખના ખર્ચે તૈયાર થનાર જંત્રાલ-શિવપુરા રોડ અને રૂપિયા ૮૩.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર જંત્રાલ-મોતીપુરા રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવશે. આ માર્ગોના નિર્માણથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.

આજે યોજાનાર કાર્યક્રમ મુજબ સવારે ૧૦:૦૦ કલાકે ભાદરણ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, ત્યારબાદ ૧૦:૩૦ કલાકે ભાદરણમાં જ નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે બાદ સવારે ૧૧:૦૦ કલાકે જંત્રાલ ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ અને ગ્રામીણ માર્ગોના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાશે.

આ વિકાસલક્ષી કાર્યક્રમમાં બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી દક્ષાબેન સોલંકી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક સરપંચશ્રીઓ અને ગ્રામજનોની હાજરીમાં આ પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવશે.