કુદરતી આપત્તિઓ અને હવામાનની સાચી માહિતી માટે ભારત સરકારની 03 ઉપયોગી મોબાઇલ એપ: ‘સચેત’, ‘દામિની’ અને ‘મોસમ’
પ્રકાશિત તારીખ : 28/07/2026
આણંદ, સોમવાર, આજના સમયમાં મોબાઇલ એપ્લિકેશન આપત્તિના સમયે ખુબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. કુદરતી આફતો વખતે લોકોને સમયસર ચેતવણી, હવામાનની સાચી માહિતી અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ‘સચેત’, ‘દામિની’ અને ‘મોસમ’ નામની ત્રણ વિશેષ મોબાઇલ એપ્લિકેશન્સ શરૂ કરવામાં આવી છે. લોકોમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ આવે અને મુશ્કેલીના સમયે જરૂરી સાવચેતી રાખી શકાય તે માટે બનાવાયેલી આ ત્રણેય એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
નાગરિકો માટે ઉપયોગી આ ત્રણેય એપ્લિકેશનો ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા બનાવાયેલી ‘સચેત’ (Sachet) એપનો મુખ્ય હેતુ લોકોને પૂર, ધરતીકંપ, વાવાઝોડું અને જમીન ધસી પડવા જેવી આફતો સામે અગાઉથી ચેતવવાનો છે. આ એપ યુઝરના લોકેશનના આધારે તેની આસપાસના જોખમો વિશે ત્વરિત મેસેજ મોકલે છે. સાથે જ આફતના સમયે જીવ બચાવવા માટે શું કરવું અને શું ન કરવું તેની સરળ માહિતી પણ આપે છે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને IITM દ્વારા તૈયાર કરાયેલી ‘દામિની’ એપ ખાસ કરીને વીજળી પડવાની ઘટનાઓ સામે રક્ષણ આપે છે. આ એપ યુઝરની આસપાસના ૨૦ થી ૪૦ કિલોમીટરના વિસ્તારમાં આગામી ૩૦ થી ૪૫ મિનિટમાં વીજળી પડવાની શક્યતા છે કે નહીં તેની સચોટ માહિતી આપે છે. ચોમાસામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો અને પશુપાલકો માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ઉપરાંત, વીજળીના કડાકા સમયે ક્યાં આશરો લેવો તેનો ઓડિયો અને લખાણ દ્વારા માર્ગદર્શિકા પણ આ એપમાં આપેલી છે.
ભારત સરકારના હવામાન વિભાગ (IMD) દ્વારા લોન્ચ કરાયેલી ‘મોસમ’ એપ સામાન્ય નાગરિકોને હવામાનની સાચી માહિતી પૂરી પાડે છે. આ એપ દ્વારા કોઈપણ શહેરના તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને આગામી ૭ દિવસના હવામાનની આગાહી અગાઉથી જ જાણી શકાય છે. આ એપમાં દર ૩ કલાકે આવનારા સ્થાનિક વાવાઝોડા કે ભારે વરસાદ અંગેની ચેતવણી અપડેટ કરવામાં આવે છે. આ ત્રણેય એપ્લિકેશનો ખેડૂતો, પશુપાલકો, પ્રવાસીઓ અને દરેક નાગરિકની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે, પ્રત્યેક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં આ એપ અવશ્ય ઇન્સ્ટોલ કરવી જોઈએ.