ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
પ્રકાશિત તારીખ : 15/07/2026
રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય: ઉમરેઠ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ભરાશે પ્રાકૃતિક બજાર
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવા અને નાગરિકોના સ્વાસ્થ્ય વર્ધન માટે નવતર અભિગમ
આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુ સાથે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારના હસ્તે ઉમરેઠ તાલુકા પંચાયત ભવન ખાતે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષયક કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો અને ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ કૃષિ પેદાશો ઉપલબ્ધ કરાવવાનો છે.
ઉમરેઠ તાલુકા પંચાયત ભવનના કમ્પાઉન્ડમાં કાર્યરત થનાર આ વેચાણ કેન્દ્ર દર ગુરુવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ખુલ્લું રહેશે. આ કેન્દ્રના માધ્યમથી ઉમરેઠ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ મુક્ત એવા શુદ્ધ શાકભાજી, કઠોળ, અનાજ અને ફળો સીધા ખેડૂતો પાસેથી મળી રહેશે. આ વ્યવસ્થાથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે, જેનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળશે અને નાગરિકોના સ્વાસ્થ્યની પણ જાળવણી થશે.
ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કિસાન ગોષ્ઠિમાં ખેડૂતોને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ખેડૂતો વધુમાં વધુ આ પદ્ધતિ તરફ વળે તે જરૂરી છે, જેથી સમાજને તંદુરસ્ત અને નિરોગી જીવન આપી શકાય. તેમણે ખેડૂતોને આ આત્મનિર્ભર અભિયાનમાં જોડાવા અને દરેક પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક પેદાશોના વપરાશ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર જી. સી. ભાલોડી, આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. લકુમભાઈ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ડો. શક્તિ રઘુવંશ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તજજ્ઞોએ જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાફસા પદ્ધતિ તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પદ્ધતિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતો કેવી રીતે આર્થિક રીતે સધ્ધર બની શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સાથે જ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, બ્લોક ટેકનોલોજી મેનેજર, એગ્રી આસિસ્ટન્ટ્સ અને મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ પશુપાલકોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પુનિતાબેન પટેલ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ પરમાર અને નગરપાલિકા પ્રમુખ મીનાબેન, આણંદ જિલ્લા અગ્રણી શ્રી કેતનભાઈ પટેલ, શ્રી વિમલભાઈ પટેલ, શ્રી ગાયત્રીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન ઉમરેઠ આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી સુરેશભાઈ મહેરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા