બંધ

આણંદમાં  તારીખ ૧૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી  ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ

પ્રકાશિત તારીખ : 11/09/2026

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અને ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા પર મુકાયો પ્રતિબંધ

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત વર્ગ-૩ સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ના સુચારુ અને નિષ્પક્ષ સંચાલન માટે આણંદના  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૬ સપ્ટેમ્બર થી તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ (CBRT) દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે હેતુથી બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાના આદેશો પરીક્ષાના દિવસો દરમિયાન સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૯:૩૦ કલાક સુધી જિલ્લાના નિયત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર અમલી રહેશે.

જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દીવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ પણ બિન-અધિકૃત વ્યક્તિ તથા સબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ થી ૩૦૦ મીટરના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે અને ફોટોકોપી સેન્ટરો પરીક્ષાના સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર અથવા કોઈ પણ પ્રકારની સભા ભરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ટેકનોલોજીકલ ઉપકરણોના ઉપયોગ પર નજર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ કે અન્ય કોઈ પણ કર્મચારીઓ માટે મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશ વ્યવહાર કે રેકોર્ડિંગ થઈ શકે તેવા કોઈ પણ ઉપકરણો જેવા કે AI-એનેબલ્ડ મેટા ગ્લાસીસ, બ્લૂટૂથ ઈયરપીસ કે મિનીએચર સ્પાય કેમેરા લઈ જવા પર પ્રતિબંધ રહેશે. જાહેર શાંતિ જળવાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડસ્પીકર, મ્યુઝિક બેન્ડ કે ડી.જે. સિસ્ટમ વગાડવા પર પણ સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. જોકે, આ આદેશો કાયદો અને વ્યવસ્થાની ફરજ પર રહેલા સુરક્ષાકર્મીઓ અને અધિકૃત અધિકારીઓને લાગુ પડશે નહીં.

આણંદ જિલ્લાના પાંચ મુખ્ય પરીક્ષા કેન્દ્રો જેમાં બાકરોલ-વડતાલ રોડ પર આવેલ સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (SPEC), વલ્લભ વિદ્યાનગર સ્થિત દર્શ ઇન્ફોટેક, આણંદના ભાલેજ રોડ પર આવેલી સી.પી. પટેલ અને એફ.એચ. શાહ કોમર્સ કોલેજ, આણંદ મર્કન્ટાઇલ કોલેજ ઓફ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ તેમજ પેટલાદ તાલુકાના ચાંગા સ્થિત ચારુસેટ (CHARUSAT) યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ જાહેરનામાના કોઈ પણ ખંડ કે આદેશનો ભંગ કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.