આણંદ જિલ્લો : ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી
પ્રકાશિત તારીખ : 29/07/2026
તા. ૩૦ જુલાઈના રોજ મતગણતરી કેન્દ્રની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ
આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયેલ છે જેની મતગણતરી તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ થનાર છે.
મત ગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મત ગણતરી કેન્દ્રની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તેના કોઈ પ્રત્યાઘાત ના પડે તેમજ ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા (જી.એ.એસ.) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી મત વિભાગ માટે પેટલાદની ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ખાતેના મતગણતરી કેન્દ્રના સ્થળથી ૨૦૦ મીટર સુધીની ત્રિજ્યામાં તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ ૦૦:૦૦ કલાકથી મતગણતરી પુરી થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં મતગણતરી કેન્દ્રના સ્થળથી ૨૦૦ મીટર સુધીની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એક સાથે ભેગા થવા પર, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકરવા તેમજ તેવી અફવાઓ ફેલાવવા પર, કોઇપણ વ્યક્તિએ લાઠી અગર ઇજા થાય તેવા કોઇ હથિયાર સાથે રાખીને ફરવા પર, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા કોઈ પદાર્થો સાથે રાખવા પર તથા મતગણતરી કેન્દ્ર અને તેની આસપાસના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, પેજર, મોબાઈલ ફોન અને તેને આનુષંગિક ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસ/ એસેસરીઝ સાથે રાખવા તથા તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તથા ચૂંટણી સાથે સંકળાયેલ પોલીસ અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ આ અર્થે ખાસ રીતે અધિકૃત કરેલ હોય તેવી બીજી વ્યકિતઓ તેમજ રાજય ચૂંટણી આયોગ ધ્વારા અધિકૃત અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં.
આ હુકમ ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ- પેટલાદ અને તેની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં લાગુ પડશે અને આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.