બંધ

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

પ્રકાશિત તારીખ : 23/06/2026

શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી તારાપુર, બોરસદ અને આણંદ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહી ભૂલકાઓને કરાવશે શાળા પ્રવેશ

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શિક્ષણનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે તા. ૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર અભિયાનનું નેતૃત્વ આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવીને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ખાસ કરીને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આ ઉત્સવને સફળ બનાવવા માટે તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં વિવિધ તાલુકાઓના લાયઝન ઓફિસરો અને શિક્ષણ વિભાગના કર્મયોગીઓ જોડાશે.

આ ત્રિ-દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ૨૩ જૂનના રોજ તારાપુર તાલુકાના વાલદાપુરા પ્રાથમિક શાળા, ખાનપુર હાઈ સ્કુલ અને ચાંગડા હાઈ સ્કુલ ખાતે પ્રવેશોત્સવ યોજાશે.

ત્યારબાદ ૨૪ જૂનના રોજ બોરસદ તાલુકાના કંકાપુરા  પ્રાથમિક શાળા અને એચ.જી.એન.ડી. હાઈસ્કૂલ દહેવાણ અને કઠોળ ગામ ખાતેની સતમાર્ગ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવતા બાળકોનું કુમકુમ તિલક અને મીઠા મોં કરાવીને સ્વાગત કરવામાં આવશે.

કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે ૨૫ જૂનના રોજ આણંદ તાલુકાના મોગરની માધવપુરા પ્રાથમિક શાળા, એચ. એસ. મહીડા હાઈસ્કૂલ મોગર અને રામનગરની મૈત્રી વિદ્યાલય ખાતે બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 ના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

આ ત્રણેય દિવસ દરમિયાન સવારના 8-00 વાગ્યાથી પ્રથમ શાળા ખાતે, સવારે 10:00 કલાકે બીજી શાળા ખાતે અને બપોરના 12-00 કલાકે ત્રીજી શાળા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળશે. આ કાર્યક્રમ દ્વારા આણંદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા અને તમામ બાળકોને શાળા સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.