આણંદ જિલ્લામાં તા.21મી સપ્ટેમ્બરે યોજાશે ‘સેવા સેતુ’ કાર્યક્રમ: ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના પ્રશ્નોનું ઘરઆંગણે થશે નિરાકરણ
પ્રકાશિત તારીખ : 21/09/2026
તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ચિખોદરા ગામે અને બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
લોકોના પ્રશ્નોના ત્વરિત અને પારદર્શક નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
આણંદ, રવિવાર, આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવાના હેતુથી આગામી તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના આણંદ (ગ્રામ્ય) અને બોરસદ તાલુકાના નિર્ધારિત ક્લસ્ટર મથકો પર વિવિધ સરકારી સેવાઓ અને વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે વિશેષ શિબિર યોજાશે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગ્રામીણ જનતાને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા મથક સુધી જવાની જરૂર રહેશે નહીં અને સ્થળ પર જ વહીવટી તંત્ર દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આણંદ (ગ્રામ્ય) તાલુકાના નાગરિકો માટે ચિખોદરા ગામની પ્રાથમિક કુમાર શાળા ખાતે સેવા સેતુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૧.૦૯.૨૦૨૬ના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં ચિખોદરા ક્લસ્ટર હેઠળ કુલ ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચિખોદરા ઉપરાંત બેડવા, વઘાસી અને રાસનોલ ગામના ગ્રામજનો પોતાની રજૂઆતો અને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટેની અરજીઓ સાથે ઉપસ્થિત રહી શકશે. જિલ્લાના વહીવટી અધિકારીઓની ટીમ આ સ્થળે હાજર રહીને વિવિધ યોજનાકીય લાભો અને દસ્તાવેજી પ્રક્રિયાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારો માટે તારીખ ૨૧ સપ્ટેમ્બર સોમવારના રોજ અલારસા ગામની પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાની કામગીરી હાથ ધરવામાં આવશે. અલારસા ક્લસ્ટર અંતર્ગત વિશાળ વિસ્તારને આવરી લેતા કુલ આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અલારસા, ખેડાસા, ધનાવશી, પીપળી, કિંખલોડ, મોટી શેરડી, નાની શેરડી અને કોઠિયાખાડ ગામના નાગરિકો પોતાની અરજીઓ રજૂ કરી શકશે. આ સેવા સેતુ દ્વારા છેવાડાના ગામોના લોકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સરકારી સેવાની પારદર્શકતા અને ઝડપ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જે નાગરિકોને યોજનાકીય માહિતી આપવા સાથે તેમના વ્યક્તિગત લાભાર્થી લક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરશે.
આગામી તારીખ ૨૧મી સપ્ટેમ્બરે યોજાનારા આ બંને તાલુકાના સેવા સેતુ કાર્યક્રમોનો ગામના નાગરિકોને મહત્તમ લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.