આણંદ જિલ્લાના સફાઈ કામદાર અને તેમના આશ્રિતો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૭૦ લાખની સહાય મેળવી શકશે
પ્રકાશિત તારીખ : 21/05/2026
વર્ષ 2026-27 દરમિયાન આ યોજના નો લાભ લેવા ઓનલાઈન અરજી કરો
આણંદ, બુધવાર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, સરકારશ્રી દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત રાજ્યના જે સફાઈ કામદારો અથવા તેમના આશ્રિતો ખુલ્લા પ્લોટ ધરાવતા હોય અથવા કાચું અને જર્જરિત મકાન ધરાવતા હોય, તેવા અરજદારોને પોતાનું પાકું આવાસ બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત આ યોજના હેઠળ પાકું મકાન બનાવવા માટે લાભાર્થીને કુલ રૂ. ૧,૭૦,૦૦૦ ની સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે.
યોજનાનો લાભ લેવા ઈચ્છુક અરજદારોએ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર આપેલી માર્ગદર્શિકા મુજબ જરૂરી તમામ સાધનિક કાગળો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. અરજી ઓનલાઈન કન્ફર્મ થયા બાદ, અરજદારે ફોર્મની પ્રિન્ટ કઢાવી જરૂરી આધાર પુરાવાઓ સાથે આગળની વહીવટી પ્રક્રિયા માટે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બીજો માળ, રૂમ નંબર 229, જુના સેવા સદન, બોરસદ ચોકડી પાસે આણંદનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.