બંધ

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ – શાંતિ અને એકતાનો સંદેશ

પ્રકાશિત તારીખ : 21/09/2026

શાંતિ, એકતા અને ભાઇચારાનો સંદેશ આપતો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ

આણંદ,શનિવાર, વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, લોકો એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાથી રહે તથા દેશો વચ્ચે મિત્રતા અને સહકાર વધે તે માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટે લોકોમાં શાંતિ, એકતા અને પરસ્પર સમજણની ભાવના વધે તે આ દિવસનો મુખ્ય હેતુ છે.

શાંતિ દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ જરૂરી છે. જ્યાં શાંતિ હોય ત્યાં લોકો સુરક્ષિત રીતે પોતાનું જીવન જીવી શકે છે અને પોતાના પરિવાર તથા સમાજના વિકાસ માટે કામ કરી શકે છે. દેશના વિકાસ માટે પણ શાંતિપૂર્ણ વાતાવરણ જરૂરી છે.

વિશ્વમાં અલગ અલગ ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને વિચારો ધરાવતા લોકો રહે છે. દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે, પરંતુ એકબીજાના વિચારો અને લાગણીઓનું સન્માન કરીને સાથે રહેવું એ જ સાચી શાંતિનો માર્ગ છે. મતભેદ થાય ત્યારે ગુસ્સો કે હિંસા કરવાને બદલે વાતચીત અને સમજણથી તેનો ઉકેલ લાવવો જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ આપણને એ પણ સમજાવે છે કે શાંતિની શરૂઆત આપણા પોતાના ઘર અને આસપાસના વાતાવરણથી થાય છે. પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત કરવી, પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવો, જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી અને સમાજમાં સૌ સાથે મળીને રહેવું એ શાંતિ તરફના નાના પરંતુ મહત્વના પગલાં છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવા સારા વ્યવહારને સ્થાન આપે તો સમગ્ર સમાજમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ ઊભું થઈ શકે છે.

બાળકો અને યુવાનોમાં પણ શાંતિ અને સહકારના સંસ્કાર કેળવવા જરૂરી છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં એકબીજાની મદદ કરવી, દરેક વ્યક્તિનું સન્માન કરવું અને મતભેદોને શાંતિથી દૂર કરવા જેવી બાબતો અંગે સમજ આપવામાં આવે તો ભાવી પેઢીમાં શાંતિના મૂલ્યો વધુ મજબૂત બની શકે છે.

આજના સમયમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો લોકો સુધી માહિતી પહોંચાડવાનું મહત્વનું સાધન બન્યા છે. આવા માધ્યમોનો ઉપયોગ પણ જવાબદારીપૂર્વક કરવો જરૂરી છે. અફવા, ખોટી માહિતી અથવા કોઈ વ્યક્તિ કે સમાજને નુકસાન પહોંચાડે તેવી વાતો ફેલાવવાને બદલે સારા વિચારો અને શાંતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવો જોઈએ.

શાંતિનો અર્થ છે કે દરેક વ્યક્તિને સન્માન મળે, લોકો એકબીજાની મદદ કરે, સમાજમાં ભેદભાવ ઓછો થાય અને દરેકને આગળ વધવાની તક મળે. પરસ્પર વિશ્વાસ અને સહકારથી જ મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસના અવસરે આપણે સૌએ પોતાના જીવનમાં શાંતિ, પ્રેમ, સહકાર અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. નાના-નાના સારા પ્રયાસોથી પરિવાર, સમાજ અને દેશના વાતાવરણમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને દરેક વ્યક્તિ સુખ, સુરક્ષા અને સન્માન સાથે જીવન જીવી શકે તે માટે સૌનો સહયોગ જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ આપણને શાંતિની સાથે એકતા અને માનવતાનો સંદેશ આપે છે. શાંતિપૂર્ણ સમાજ અને શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે અને પોતાના સ્તરે શાંતિ જાળવવામાં સહયોગ આપે તે જ આ દિવસની સાચી ઉજવણી બની રહેશે.

– રીત ટેલર