બંધ

GNFC દ્વારા સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે આણંદમાં ખાતર વિક્રેતાઓ માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ

પ્રકાશિત તારીખ : 17/06/2026

ભારત સરકારની ખાતર વ્યવસ્થાપનની નવી ગાઈડલાઈન અંગે આણંદના વિક્રેતાઓને વાકેફ કરાયા

ટકાઉ ખેતી અને સંકલિત પોષક તત્વ વ્યવસ્થાપન પર નિષ્ણાતો દ્વારા વિશેષ જાણકારી અપાઈ

આણંદ, મંગળવાર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા અમલી કરવામાં આવેલી ખાતર વ્યવસ્થાપનની નવી ગાઈડલાઈન વિશે સ્થાનિક વિક્રેતાઓને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે જી.એન.એફ.સી.ના ગુજરાતના વડા એસ.વી.વાઢીગરાના માર્ગદર્શન હેઠળ

આણંદ જિલ્લામાં ખાતર વિક્રેતાઓ માટે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિરમાં આણંદના નાયબ ખેતી નિયામક એસ. જી. ગઢીયાએ ખાતર વિતરણ માટે અમલમાં મુકાયેલા ઈ-ટોકન પાયલોટ પ્રોજેક્ટ અને ખાતર, જંતુનાશકો તથા બિયારણ સંબંધિત સરકારી નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી.

જી.એન.એફ.સી. વડોદરાના એરિયા મેનેજર એ. આર. નંદાણીયાએ સંસ્થાના ૫૦ વર્ષના ગૌરવશાળી સંભારણા અને કૃષિ ક્ષેત્રે સંસ્થાના યોગદાન વિશે માહિતી આપી હતી.

ગુજરાત ટોબેકો ફેડરેશનના એમ.ડી. અતુલભાઈ વાઘેલા, ગુજકોમાસોલના પ્રતિનિધિ મહેશભાઈ પટેલએ ખાતર વિક્રેતાઓને પાયાના સ્તરે આવતી વહીવટી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જી.એન.એફ.સી.ના અધિકારીઓએ ખેડૂતોના હિતમાં સંકલિત પોષક તત્વ વ્યવસ્થાપન અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં નર્મદા ફોસ, નર્મદા યુરિયા, એસ.એસ.પી., સીટી કમ્પોસ્ટ અને નીમ પેસ્ટિસાઈડ જેવા ઉત્પાદનોની ટકાઉ ખેતીમાં ઉપયોગિતા અને તેનાથી કૃષિ ઉત્પાદન વધારવા અંગે વૈજ્ઞાનિક સમજ પૂરી પાડવામાં આવી હતી, જેથી વિક્રેતાઓ ખેડૂતોને સાચી સલાહ આપી શકે. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા ખાતર વિક્રેતાઓને વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંસ્થાની વિકાસયાત્રાની રજૂઆત બોરસદ કેન્દ્રના એસ. કે. ભુવા દ્વારા કરવામાં આવી હતી. અંતમાં માતર કેન્દ્રના પી. એ. પટેલે તમામ મહાનુભાવો અને વિક્રેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ શિબિરમાં આણંદ જિલ્લામાંથી ૭૫ જેટલા ખાતર વિક્રેતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

 

GNFC દ્વારા સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે આણંદમાં ખાતર વિક્રેતાઓ માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ