બંધ

સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત તારીખ : 20/03/2025

આણંદ, મંગળવાર: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે.

        આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી જરૂરી માહિતી મેળવીને નિયત નમુનાનું રજીસ્ટર નિભાવી તેની ફ૨જીયાત જાળવણી કરવાની રહેશે. આ રજીસ્ટરમાં કોમ્પ્યુટર નંબર, વપરાશકર્તા/બ્રાઉઝરનું નામ, સરનામું, ઉંમર, સ્ત્રી કે પુરૂષ, મોબાઇલ નંબર, ઈ-મઈલ એડ્રેસ, સહી, સાઈબર કાફેમાં દાખલ થયા સમય, સાઈબર કાફેમાંથી બહાર નિકળ્યા સમય, ફોટો સાથેની ઓળખની વિગતો અને ઓળખનો પુરાવો ક્યા અધિકારી દ્વારા ઈસ્યુ થયેલ છે તે દર્શાવવાનું રહેશે, તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માગે ત્યારે રજુ કરવાનું રહેશે.

        આ ઉપરાંત કોઈપણ સાયબર કાફે માલિક કે તેના અધિકૃત કર્મચારીએ જરૂરી પુરાવાઓ લઈ રજીસ્ટ૨માં નોંધ કરીને સાયબર કાફેમાં આવનાર વ્યક્તિ/બ્રાઉઝરને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશે, તેમજ ફોટા સાથેની કોઈપણ જરૂરી ઓળખ રજુ ન કરનાર વ્યક્તિ/બ્રાઉઝરને સાયબર કાફેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશે નહિ. સાયબર કાફેમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આવનાર દરેક વ્યકિત/ બ્રાઉઝરનો વેબ કેમેરાથી ફોટો પાડીને કોમ્પ્યુટરની હાર્ડ ડીસ્કમાં સ્ટોર કરવાનો રહેશે, તેમજ સક્ષમ અધિકારી દ્વારા ચકાસણી માટે આ ફોટા માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. જો કોઈ વ્યકિત/બ્રાઉઝર આ માટે સહમત ન થાય તો તેને સાયબર કાફે ખાતે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશે નહી.

        સાબર કાફેના દરેક કોમ્પ્યુટર સેફ્ટી સોફટવેરથી સજ્જ રાખવાના રહેશે. જેથી કોઈ વ્યકિત અશ્લીલ વેબસાઈટો, આતંકવાદી પ્રવૃત્તિઓ કે વાંધાજનક વેબસાઈટનો ઉપયોગ કરી શકે નહીં. સાયબર કાફે માલિકે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું પ્રમાણપત્ર, ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, ફુલ બેન્ડ વીથ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કે, વિડીયો કોન્ફરન્સીંગ, ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ નિભાવવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે. સાયબર કાફે માલિકે ઈન્ટરનેટ બ્રાઉઝર, વેબ સાઈટનો ઈતિહાસ, ઈન્ટરનેટ કુકીઝ, મોર્ડન લોગ્સ, ઈન્ટરનેટ ડાઉનલોડ, પ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સના બેકઅપની સાચવણી-જાળવણી કરવાની રહેશે, તેમજ સાયબર કાફેની આ વિગતો જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માગે ત્યારે રજુ કરવાની રહેશે.

        આ જાહેરનામા મુજબ સાયબર કાફે સવારના ૮-૦૦ કલાક થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખી શકાશે. આ હુકમ તા. ૦૮-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.