સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હસ્તે ૭૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
પ્રકાશિત તારીખ : 30/07/2025
આણંદ, મંગળવાર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવી હતી અને આણંદ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ સહાયકો ફાળવવામા આવ્યા હતા.
આણંદ જિલ્લામાં સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ ૭૮ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ નવનિયુક્ત શિક્ષકોને ફરજ પૂરી પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી ફરજ બજાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. શેખ, સંચાલક મંડળના પ્રમુખ, હોદ્દેદારો, શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ, નવનિયુક્ત શિક્ષકો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.