શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા SMCના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે
પ્રકાશિત તારીખ : 20/08/2025
નાગરીકો ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકશે
સંવાદ અને પુનઃરચનાથી SMCને વધુ અસરકારક બનાવવાની રાજ્ય સરકારની પહેલ
શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’-RTE ની જોગવાઇ મુજબ SMCની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તેનો હેતુ શાળાના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાનો છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિઓની દર બે વર્ષે પુનઃરચના કરવામાં આવતી હોય છે.
શાળા વ્યવસ્થાપન સમિતિને વધુ સશક્ત બનાવવા માટે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો અને વાલીઓની સાથે સ્થાનિક સમુદાયની સહભાગીતા વધારવા પર ભાર મુકાયો છે. આ અનુસંધાને શાળા વ્યવસ્થાપન સમિતિનું સશક્તીકરણ કરવા માટે સમિતિના કર્તવ્યો, જવાબદારી અને ફરજોમાં સમય મુજબ ફેરફાર કરવા માટે જાહેર જનતા-નાગરીકો પાસેથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ માટે જાહેર જનતા આગામી ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
શાળા વ્યવસ્થાપન સમિતિ વધુ ઉપયોગી બને તે માટે જાહેર જનતાએ વાંચન, ગણન, લેખન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્વછતા, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, નિયમિતતા, શાળા પ્રવાસ જેવા વિષયો પર પોતાના અભિપ્રાયો આપી શકે છે. આ ઉપરાંત પરીક્ષા તથા શાળામાં યોજાતી સ્પર્ધાઓ સમયે SMCના પ્રતિનિધિની હાજરી, CRCની મુલાકાત સમયે SMCના પ્રતિનિધિની હાજરી, ભૌતિક ચકાસણી જેવી અન્ય બાબતો અંગે પણ જરૂરી સૂચનો આપી શકે છે.
SMCને વધુ સક્રીય અને સશક્ત બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા તથા શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં એપ્રિલ ૨૦૨૫માં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ સંવાદનો મુખ્ય હેતુ SMC સભ્યો પાસેથી તેમના સૂચનો અને પ્રતિભાવો મેળવી તેમને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ સંવાદ બાદ ધારાસભ્યો, સંસદસભ્યો અને SMCના અધ્યક્ષ, સભ્યો પાસેથી SMC ની પુન:રચના બાબતે કેટલાક સૂચનો મળ્યા હતા. સૂચનોના આધારે SMCની પુન:રચના કરતા સમયે ફરજીયાત વાલી સભાઓ થાય, વાલી સભાઓ કરી શાળા વ્યવસ્થાપન સમિતિનું મહત્વ, તેના કાર્યો અને ફરજો વગેરે બાબતથી વાકેફ કરવા, સમિતિના સભ્યોની પસંદગી વાલીઓની સર્વ સંમતિથી કરવામાં આવે, શિક્ષણવિદ તરીકે વયનિવૃત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિને લેવામાં આવે તેની તકેદારી રાખવા જેવા સૂચનો આપવામાં આવ્યા હતા.
કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૫માં પણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ પર ભાર મુકવામાં આવ્યો હતો જેથી, સભ્યો શાળાની કામગીરીથી માહિતગાર થાય.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતના શૈક્ષણિક માળખામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ નીતિમાં, શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની છે, કારણ કે તે શિક્ષણ પ્રક્રિયામાં સ્થાનિક સમુદાય અને વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના વર્ષ ૨૦૧૧ના પરીપત્રથી શાળા વ્યવસ્થાપન સમિતિના કર્તવ્યો અને ફરજો નક્કી કરવામાં આવી હતી. જેમાં હવે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવી તેના પરત્વે વિચારણા કરી સશક્ત કરવાના ભાગરૂપે ટુંક સમયમાં ફેરફાર કરવામાં આવશે.