વિશ્વ મેલેરીયા દિવસ : ૨૫ એપ્રિલ
પ્રકાશિત તારીખ : 24/04/2025
આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રિય વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે.
આણંદ,મંગળવાર: આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૮થી સમગ્ર વિશ્વમાં ૨૫ એપ્રિલને વિષય મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના હેતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આપવા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ નાબુદી તથા લોકોમાં જનજાગૃતિ કેળવવા અંગેનો છે.
આ વર્ષે ” મેલેરિયાનો અંત આપણાથી: પુનઃ રોકાણ કરો, પુનઃ કલ્પના કરો, પુના જાગૃત કરો” થીમ અંતર્ગત મેલેરીયા દિવસના ઉજવણી કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા પહેલા અને દરમિયાન મચ્છર ઉત્પત્તિ સ્થાનોને શોધી તેને નાબૂદ કરવા, બિન ઉપયોગી ધાબા પરનો ભંગાર- કાટમાળ અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તેમજ વિવિધ iec પ્રવૃત્તિઓ હાથ ધરી સઘન સર્વેલન્સ દ્વારા મેલેરિયા પોઝિટિવ દર્દીઓને શોધી તેને સંપૂર્ણ સારવાર આપવામાં આવે તો ચોમાસામાં ફેલાતા મેલેરિયા રોગને નિયંત્રિત કરી શકાય છે.
આ દિવસે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર જનજાગૃતિ અંતર્ગત રેલી, શિબિર માઈકીંગ,વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ, જૂથ ચર્ચા, મચ્છરના જીવન ચક્રનો લાઇવ નિદર્શન, ભીંત સૂત્રો સંક્ષિપ્ત નાટક જેવા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી આરોગ્ય શિક્ષણનો પ્રચાર- પ્રસાર કરવામાં આવશે તથા અન્ય વિભાગના સહકાર સારું વર્કશોપનું પણ આયોજન કરવામાં આવનાર છે.
વધુમાં પીએચસી, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તથા ગામના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ આગેવાનો દ્વારા બારમાસી તળાવમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ પણ મૂકવામાં આયોજન હાથ ધરાશે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.