• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

વિકાસ સપ્તાહ-૨૦૨૫ : આણંદ જિલ્લો

પ્રકાશિત તારીખ : 08/10/2025

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામ ખાતેથી આણંદ જિલ્લામાં ‘‘વિકાસ સપ્તાહ’’ કાર્યક્રમનો શુભારંભ

લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેકનું કરાયું વિતરણ

વણસોલ ગામે વિવિધ ૯ જેટલા વિકાસ કામોનું કરાયું ખાતમૂર્હત

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી કરવામાં આવી રહી છે, સમગ્ર રાજયની સાથે આણંદ જિલ્લામાં પણ ઉમરેઠ તાલુકાના વણસોલ ગામ ખાતેથી વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વણસોલ ખાતે વિકાસ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા વિકાસ યાત્રા રથ ઉમરેઠ તાલુકામાં વિવિધ ગામો ખાતે પરિભ્રમણ કરીને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં વણસોલ રાજીગાંધી ભવન ખાતે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા વિકાસ સપ્તાહના કાર્યક્રમ નાગરિક પ્રથમ અભિગમ સાથે જોડવામાં આવ્યો છે, દરેક નાગરિક સ્વસ્થ, સુપોષિત અને શિક્ષિત બને અને વિકસિત ભારત માટે પોતાનું મહત્તમ યોગદાન આપે તે આવશ્યક છે, તેમ જણાવી દરેક નાગરિકો સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવે અને તેનો મહત્તમ લાભ લે તે ખૂબ જરૂરી છે તેમ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીના હસ્તે રૂપિયા ૪૪.૧૫ લાખના ખર્ચે તૈયાર થનાર ૯ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા ૦૭ લાભાર્થીઓને મિશન મંગલમ અને આઈ.સી.ડી.એસ.ની યોજના થકી સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે વિવિધ યોજનાઓની જાણકારી આપી યોજનાઓના લાભો વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તથા ઉપસ્થિત તમામ લોકો વિકસિત ભારત અને કુપોષણ મુક્ત ભારત માટે સંકલ્પબધ્ધ થયા હતા.

ઉલ્લેખનિય છે કે, સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને રજૂ કરી ગુજરાતની વિકાસગાથાને વધુ વેગ આપવામાં આવશે.

આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રતાપભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કિરણબેન વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, મામલતદાર શ્રી નિમેષભાઈ પારેખ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મુકેશભાઈ મકવાણા, સરપંચ શ્રી ચંદુભાઈ રાજ સહિત અધિકારીઓ, અગ્રણી શ્રી સુભાષભાઈ પરમાર, વિમલભાઈ પટેલ, વિષ્ણુભાઈ વસાવા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ સપ્તાહ-૨૦૨૫ : આણંદ જિલ્લો