વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં પાંચ દિવસીય આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનું આયોજન
પ્રકાશિત તારીખ : 10/03/2025
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો પ્રારંભ.
મેળામાં આર્ટ અને ક્રાફટના ૧૯ અને ૬ ફૂડ સ્ટોલ સહિત ૨૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા.
નાગલીના રોટલા, ઢોકળા, પાપડ, લોટ, અડદની દાળ, ઢેબરા, ચોખાના રોટલા જેવા પરંપરાગત આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણવો હોય તો પહોચી જાઓ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં.
આણંદ, શુક્રવાર: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આણંદ ઉત્સવના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે તા. ૭ થી ૧૧ માર્ચ,૨૦૨૫ દરમિયાન સવારે ૧૦ કલાક થી રાત્રિના ૧૦ કલાક સુધી આદિજાતિ હસ્તકલા કૃતિ અને ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હસ્તકલા મેળામાં રાજ્યના આદિવાસી વિસ્તારના ૧૧ જિલ્લાના હસ્ત કલાકારો તેમણી અમૂલ્ય હસ્તકલા-કૃતિઓને પ્રદર્શિત કરી છે.આ મેળામાં આર્ટ અને ક્રાફટના ૧૯ અને ૬ ફૂડ સ્ટોલ સહિત ૨૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ આદિજાતિ હસ્તકલા કૃતિ અને ફૂડ મેળાને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ઉભા કરવામાં આવેલા ભારતીય બંધારણની જાણકારી આપતા સ્ટોલને પણ મહાનુભાવોએ ખુલ્લો મુક્યો હતો.
આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં આદિવાસી વિસ્તારની હસ્તકલા-કૃતિઓ, પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ, સાથે જ ખેત ઉત્પાદન, ગૌણવન પેદાશોને તેમજ વન ઔષધિઓને વેચાણ-પ્રદર્શન માટે મુકવામાં આવ્યા છે,જે આ મેળાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે.
ટ્રાયબલ ફૂડ સ્ટોલમાં નાગલીના રોટલા, ઢોકળા, પાપડ,લોટ, અડદની દાળ,ઢેબરા,શિંગોડાના પાનમાં બનાવેલ પનેલા, ચોખાના રોટલા જેવા પરંપરાગત આદિવાસી વ્યંજનોનો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માનવો હોય તો પહોચી જાઓ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં..
ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિના બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિત કુલ ૧૧ જિલ્લાના હસ્ત કલાકારો વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ આ વેચાણ અને પ્રદર્શન મેળામાં સહભાગી થયા છે. નાગરિકો આ મેળાની સવારે ૧૦ થી રાત્રિના ૧૦ કલાક સુધી મુલાકાત લઇ શકશે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી કમલેશ પટેલ, શ્રી વિપુલ પટેલ, શ્રી યોગેશ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી, મનપા કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
