પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ
પ્રકાશિત તારીખ : 23/03/2026
બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આત્મનિર્ભર બનાવી સમૃદ્ધિનો માર્ગ કંડારતી ‘ગૌ-આધારિત’ ખેતી.
પ્રાકૃતિક ખેત પદ્ધતિ બાગાયતી ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ખેડૂતોની આવકને બમણી કરે છે.
આણંદ, શુક્રવાર ગુજરાતનું ‘ચરોતર’ એટલે કે ‘સોનેરી પાનનો મુલક’ તરીકે ઓળખાતો આણંદ જિલ્લો તેની ફળદ્રુપ ‘ગોરાડુ’ જમીન અને શ્વેત ક્રાંતિ માટે વિશ્વવિખ્યાત છે. અહીંની ફળદ્રુપ જમીન અને સિંચાઈની સુવિધા બાગાયતી ખેતી માટે આશીર્વાદ સમાન છે. આણંદમાં કેળ, પપૈયા, લીંબુ અને જામફળ જેવા બાગાયતી પાકો જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાય છે, ત્યારે તે માત્ર પાક નથી રહેતા, પણ ખેડૂતો માટે ‘વરદાન’ સાબિત થાય છે. આવો આજે જાણીએ કે કેવી રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આત્મનિર્ભર બનાવી ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ કંડારવામાં ‘ગૌ-આધારિત’ ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે. ખાસ કરીને કેળના પાકમાં, જ્યાં રાસાયણિક ખાતરનો ખર્ચ સૌથી વધુ હોય છે, ત્યાં ઘન જીવામૃતના ઉપયોગથી ખેતી ખર્ચમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે અને લૂમની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. એવી જ રીતે, પપૈયા અને લીંબુમાં આવતી વાયરસ કે ફૂગની સમસ્યા માટે ખાટી છાશ અને દશપર્ણી અર્ક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જામફળના પાકમાં ગૌ-આધારિત ખેતીથી તેની મીઠાશ જળવાય છે અને ફળની ‘જીવન ગુણવત્તા’ વધતા તે દૂરના બજારો સુધી પણ સુરક્ષિત રીતે પહોંચાડી શકાય છે.
ખેતીમાં ભૂગર્ભ જળના સ્તરને ટકાવી રાખવો અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતીમાં પાકના અવશેષોનો ઉપયોગ કરીને કરવામાં આવતું મલ્ચિંગ (આચ્છાદન) જમીનનું તાપમાન જાળવી રાખે છે. આ પદ્ધતિથી બાષ્પીભવન ઓછું થવાને કારણે પાણીની ૨૦ થી ૩૦ ટકા જેટલી બચત થાય છે, જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં બાગાયતી પાકોને સુકાતા બચાવવા માટે ખૂબ જ અસરકારક છે.
રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવાથી ફળદ્રુપ જમીનને થયેલ નુકસાનની પરિસ્થિતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું જીવામૃત જમીન માટે ‘સંજીવની’ સમાન સાબિત થાય છે. જીવામૃત દ્વારા જમીનમાં કરોડોની સંખ્યામાં ફાયદાકારક સૂક્ષ્મજીવો ઉમેરાય છે, જે કેળ અને પપૈયા જેવા વધુ પોષક તત્વોની જરૂરિયાત ધરાવતા પાકોને સરળતાથી ખોરાક પૂરો પાડે છે. વધુમાં, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયા ફરી સક્રિય થાય છે, જે જમીનને છિદ્રાળુ બનાવી મૂળના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
શ્વેતક્રાંતિની ભૂમિ અને સહકારી પશુપાલનનું કેન્દ્ર ગણાતા આણંદમાં લગભગ દરેક ખેડૂત પાસે ગાય ઉપલબ્ધ છે. પશુપાલન અને બાગાયતનો સમન્વય ખેડૂતને ‘ઝીરો બજેટ’ ખેતી એટલે કે શૂન્ય ખર્ચની ખેતી તરફ દોરી જાય છે. દૂધમાંથી નિયમિત આવક મેળવવાની સાથે, ગાયના છાણ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી ખેડૂતોને બહારથી મોંઘા ખાતરો લાવવાની જરૂર પડતી નથી. પરિણામે, ખેતીના ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતની ચોખ્ખી બચતમાં મોટો વધારો થાય છે.
ગ્રાહકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિને કારણે રાસાયણિક ખાતર મુક્ત કેળા, પપૈયા કે લીંબુ તેમજ શાકભાજી સહિતના પાકોની સીધી માંગ વધી રહી છે. આણંદ જિલ્લો અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોની મધ્યમાં આવેલો હોવાથી અહીંના ખેડૂતો માટે ‘ઓર્ગેનિક માર્કેટ’ ખૂબ જ નજીક અને સુલભ છે. તેમજ જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર શરૂ કરી ખેડૂતોને જે મંચ અપાયુ છે તેનાથી ખેડૂતો સામાન્ય બજાર ભાવ કરતા ૨૫ થી ૫૦ ટકા વધુ ભાવ મેળવી રહ્યા છે, જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી તેઓને સમૃદ્ધ બનાવી રહ્યુ છે.