બંધ

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને હાથે ઈજા છતાં મક્કમતાથી પરીક્ષાનું પેપર લખ્યું

પ્રકાશિત તારીખ : 27/02/2025

મોગર હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપી

આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાનો આણંદ જિલ્લામાં પ્રારંભ થયો છે.

આ પરીક્ષામાં આણંદ તાલુકાના રામનગર સ્થિત મૈત્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શક્તિસિંહ અરવિંદભાઈ પરમાર પરીક્ષા આપી રહયો છે. શક્તિસિંહને પરીક્ષાના પ્રથમ દિવસે એટલે કે, આજે જ જમણા હાથે સામાન્ય ઈજા થઈ. જમણા હાથે સામાન્ય ઇજા થવાથી ડોક્ટરે જમણા હાથે પાટો બાંધવો પડયો.

શક્તિસિંહ ડાબા હાથે લખે છે, તેમને જમણા હાથે ઈજા થવાના કારણે તેની તેમના લખવા ઉપર કોઈ અસર થાય તેમ ન હતી. આજથી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હતી, આજે પહેલું પેપર હતું અને જો તેને ડાબા હાથે વાગ્યું હોત તો લહિયા એટલે કે શિક્ષણ વિભાગ પાસેથી મંજૂરી મેળવી બીજા વિદ્યાર્થી પાસેથી પેપર લખાવવું પડત.

શક્તિસિંહએ તેમને થયેલ ઈજા છતાં હિંમત હાર્યા વગર હાથે પાટો બાંધ્યો હોવા છતાં અને દુખાવો હોવા છતાં પણ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા લઈને સમયસર પરીક્ષા સ્થળે પહોંચીને બોર્ડની પરીક્ષા આપી હતી.

શક્તિસિંહ પરમારે આજે મોગર હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ ના પહેલા પેપરની બોર્ડની પરીક્ષા આપી હતી, અને જણાવ્યું હતું કે મે પરીક્ષામાં લખતી વખતે મને જમણા હાથે વાગ્યું છે તેની નોંધ પણ લીધી નથી અને કોઈપણ જાતનું ટેન્શન રાખ્યા વગર પરીક્ષા આપી છે અને મને હાઈસ્કૂલના શિક્ષકો એ સાથ સહકાર આપ્યો અને જો લહીયાની એટલે કે લખનાર વિદ્યાર્થીની મદદ શિક્ષણ વિભાગ પાસેથી જોઈતી હોય તો પણ તાત્કાલિક મળશે તેમ જણાવ્યું હતું, પરંતુ હું ડાબા હાથે લખું છું તેથી કશી પણ ચિંતા કર્યા વગર બોર્ડની પરીક્ષા આપી છે, તેમ જણાવતા બોર્ડની પરીક્ષાનું પેપર આપી શકવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

 

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને હાથે ઈજા છતાં મક્કમતાથી પરીક્ષાનું પેપર લખ્યું