જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો યોગ દિવસ વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે
પ્રકાશિત તારીખ : 21/06/2025
આણંદ જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અઘ્યક્ષતામાં યોજાશે યોગ દિવસ.
આણંદ, શુક્રવાર: યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને અનુસરીને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧મી જૂન ૨૦૨૫ની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવી સમગ્ર ધરતી અને માનવ કલ્યાણ માટે અનન્ય સંદેશ એટલે ” યોગા ફોર વન અર્થ, વન હેલ્થ… ની થીમ અંતર્ગત ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે.
ગુજરાત રાજ્યમાં પણ “સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત” ની થીમ અંતર્ગત રાજ્ય કક્ષાનો યોગ દિવસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વતન ભૂમિ વડનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં ઉજવાશે.
આણંદ જિલ્લામાં પણ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.
સવારે ૬:૦૦ કલાકથી ૮ :૦૦ કલાક દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સહિત ધારાસભ્યો સર્વેશ્રી ઉપસ્થિત રહેશે.