જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ૧૦૮૩ હોસ્પિટલોનું થયું રજીસ્ટ્રેશન
પ્રકાશિત તારીખ : 30/07/2025
આણંદ, બુધવાર: ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ ૧૦૮૩ અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે, તેમ જનરલ હોસ્પિટલ, આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન અંગેની માહિતી મળી શકે તે હેતુસર જાણકારી આપવામાં આવી છે, અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આણંદ હોમિયોપેથીક એસોસિએશન અને આણંદ આયુર્વેદિક એસોસિએશનને પણ આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓનું વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય તે માટે જાણ કરવામાં આવી છે.
સિવિલ સર્જન શ્રી એ વધુમાં જણાવ્યું કે, આણંદ જિલ્લાની રજીસ્ટ્રેશન થયેલ હોસ્પિટલની જાણકારી સહિતની વિગતો અને સમીક્ષા માટે આણંદ જિલ્લા કલેકટરશ્રી અને ચેરમેન શ્રી, ડીસ્ટ્રીક રજીસ્ટરિંગ ઓથોરિટી, આણંદના અધ્યક્ષસ્થાને દર ત્રણ મહિને આ બાબતે બેઠક કરવામાં આવે છે.
જનરલ હોસ્પિટલ, આણંદના સિવિલ સર્જન શ્રીના જણાવ્યા મુજબ હાલમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે કરવામાં આવેલ અરજીઓ પેન્ડિંગ નથી.
આમ, આણંદ જિલ્લામાં આવેલી તમામ ચિકિત્સા સંસ્થાઓએ વહેલામાં વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.