• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ખાસ લેખ – સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન

પ્રકાશિત તારીખ : 20/09/2025

કિશોરીઓમાં માસિક ધર્મ સમયે સ્વચ્છતા અને સલામતી ખૂબ જરૂરી

મહિલાઓ માસિક ધર્મ દરમિયાન સ્વસ્થ આહારને જ પ્રાધાન્ય આપે

આ અભિયાન અંતર્ગત કિશોરીઓ (૧૦ થી ૧૯ વર્ષ) ના સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકાશે

આણંદ, શુક્રવાર: “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” એક સશક્ત વિચાર છે જે સમજાવે છે કે એક નારીના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનું સંચાલન માત્ર તેની જાત માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાન અંતર્ગત કિશોરીઓ (૧૦ થી ૧૯ વર્ષ) ના સ્વાસ્થ્ય પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. જે સંદર્ભે કિશોરીઓમાં માસિક ધર્મ સમયે સ્વચ્છતા અને સલામતી ખૂબ જરૂરી છે અને તેની જાગૃતતા પણ ખૂબ જ અનિવાર્ય છે. માટે જ, કિશોરીઓને માસિક ધર્મ સમયે સુરક્ષિત વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો અને માસિક ધર્મ દરમિયાન કઈ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

માસિક ધર્મના સમય દરમિયાન મહિલાઓને કોઈ પણ પ્રકારનું ઈન્ફકેશન (ચેપ) ના થાય તે માટે માસિક ધર્મ વખતે કપડાનો ઉપયોગ ના કરીને સેનેટરી પેડનો જ ઉપયોગ કરવા તેમજ સેનેટરી પેડનો યોગ્ય નિકાલ કરવા અંગે કિશોરીઓ તથા મહિલાઓને સેમિનાર યોજીને માર્ગદર્શન આ પોષણ માસ દરમિયાન આપવામાં આવશે.

મહિલાઓ માસિક ધર્મ દરમિયાન આટલી કાળજી રાખે..

માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે.  દર ૪- ૬ કલાકે સેનેટરી નૅપકીન બદલવા અનિવાર્ય છે. કારણકે લાંબા સમય સુધી એક જ પૅડ રાખવાથી ચેપ (ઇન્ફેક્શન) થઈ શકે છે. આ સમય દરમિયાન મહિલાઓએ સુગંધિત સોપ કે કેમિકલ આધારિત વોશનો વધારે ઉપયોગ ટાળવો જોઈએ. 

મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન કપડાંની ખાસ કાળજી લેવી જોઈએ. મહિલાઓએ ખુલ્લા અને આરામદાયક કોટનના કપડાં પહેરવા જોઈએ અને ભીના કપડાં લાંબા સમય સુધી ન પહેરવા જોઈએ.

મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન આરોગ્યપ્રદ આહાર લેવો જરૂરી છે. આ સમયે ખાસ મહિલાઓ પાલક, ખજુર, દાળ, ગોળ જેવો ખોરાક વધુ લેવો જોઈએ. પૂરતું પાણી પીવું જોઈએ જેથી ડિહાઇડ્રેશન ન થાય. આ સમયે ખાસ કેફિન અને જંક ફૂડ ટાળવા જોઈએ.

યોગ્ય આરોગ્યપ્રદ ખોરાકની સાથે સાથે મહિલાઓએ આ સમય દરમિયાન પૂરતી ઊંઘ લેવી જોઈએ. હળવી કસરત અથવા યોગ કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

કેટલીક મહિલાઓને માસિક ધર્મના સમય દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. તો, આ માટે ગરમ પાણીની થેલી (હોટ વોટર બેગ) પેટ પર રાખવાથી દુખાવામાં રાહત મળે છે. દુખાવા વધે તો ડૉક્ટરનું માર્ગદર્શન લેવું જરૂરી છે.

ખાસ નોંધ

હંમેશા સ્વચ્છતા જાળવવી, કારણ કે ગંદકીથી ચેપ, ખંજવાળ, કે અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે.

જો માસિક દરમ્યાન વધુ રક્તસ્ત્રાવ, અસહ્ય દુખાવો, ચક્કર, કે અનિયમિતતા રહે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

આ અભિયાન દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરીને ભવિષ્યમાં સ્વસ્થ અને સશક્ત પરિવારના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. જ્યાં નારી સ્વસ્થ છે, ત્યાં પરિવાર અને સમગ્ર સમાજ સશક્ત બને છે. એટલે “સ્વસ્થ નારી” હોવી એ માત્ર વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસ માટે જરૂરી છે.