આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું
પ્રકાશિત તારીખ : 01/01/2026
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન: યુવા પેઢી સરકારી જનકલ્યાણ યોજનાઓથી અવગત થઈ
આણંદ: બુધવાર:: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે એક વિશેષ ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવિ સમાજસેવકોને વહીવટી પ્રક્રિયા અને સામાજિક ઉત્તરદાયિત્વનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો.
આ કાર્યક્રમમાં આણંદની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે આણંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ વર્ક, એન.એસ. પટેલ આર્ટસ કોલેજ અને શ્રી ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજના BSW અને MSW ના ૫૫ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ શૈક્ષણિક મુલાકાતનું નેતૃત્વ આણંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ વર્કના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જીત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્કનું મહત્વ સમજાવ્યું હતું.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આશ્રયસ્થાનમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ભોજન, રહેઠાણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય જેવી સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ માત્ર સુવિધાઓ જોઈ જ નહીં, પરંતુ ત્યાં રહેતા લાભાર્થીઓ સાથે વ્યક્તિગત સંવાદ સાધીને તેમની જીવનશૈલી, સંઘર્ષ અને આશ્રયસ્થાનના કારણે તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી.
વિદ્યાર્થીઓને વહીવટી માર્ગદર્શન આપતા NULM વિભાગના કર્મચારીઓ શ્રી ભૂમિકા અવલાની તથા શ્રી વ્રજ ત્રિવેદીએ શહેરી ગરીબોના ઉત્થાન માટે કાર્યરત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને સમાજના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે, જે સામાજિક કાર્યના વિદ્યાર્થીઓ માટે શીખવું અનિવાર્ય છે.
કાર્યક્રમના અંતે કોલેજના પ્રતિનિધિઓએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા આઉટરીચ પ્રોગ્રામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. આનાથી વિદ્યાર્થીઓમાં કેવળ પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક સંવેદના અને સેવાકીય ભાવના મજબૂત બને છે. આ સફળ આયોજન બદલ તેમણે કરમસદ આણંદ મહાનગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું

આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું

આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું